
સુરત, 09 એપ્રિલ (હિ.સ.) : સુરતના અમરોલી વિસ્તારમાં ધોરણ 8માં ભણતી 13 વર્ષીય કિશોરી સાથે છેડછાડની ઘટના સામે આવી છે. 3 એપ્રિલના રોજ કિશોરી રોજની જેમ સવારે ટ્યુશન ક્લાસીસે ગઈ હતી અને અંદાજે 10:30 વાગ્યે ઘરે પરત ફરી રહી હતી. આ દરમિયાન એક અજાણ્યો વ્યક્તિ બાઈક લઈને તેના પાછળ લાગ્યો અને નિર્જન રસ્તાનો લાભ લઈ તેને અટકાવવાનો પ્રયાસ કર્યો.
આ વ્યક્તિએ કિશોરીને બાઈક પર બેસવા માટે દબાણ કર્યું અને અનૈતિક માંગણીઓ કરી હતી. કિશોરીએ તેની અવગણના કરી આગળ વધવાનો પ્રયાસ કર્યો છતાં આરોપી સતત તેની પાસે આવીને હેરાન કરતો રહ્યો. આ ઘટનાથી ડરી ગયેલી કિશોરી ઝડપથી પોતાના ઘરે પહોંચી ગઈ. ઘરે પહોંચ્યા બાદ કિશોરીએ માતાને સમગ્ર ઘટનાની જાણ કરી. દીકરીની હાલત જોઈ પરિવાર ચોંકી ગયો અને તરત જ પોલીસનો સંપર્ક કરવાનો નિર્ણય લીધો. પરિવારજનોએ અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.
પોલીસે CCTV ફૂટેજના આધારે આરોપીની ઓળખ કરી અને તેને ઝડપી પાડ્યો. આરોપી વિકી દીપકભાઈ રાઠોડ (ઉંમર 32), જે મોબાઈલ રિપેરિંગનો ધંધો કરે છે, તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે