


- વાવ થરાદ, સુરેન્દ્રનગર મનપા અને અરવલ્લી જિલ્લાના પાલિકા પંચાયતના ઉમેદવારો જાહેર કર્યા
ગાંધીનગર, 09 એપ્રિલ (હિ.સ.) ગુજરાતમાં પાલિકા-પંચાયતની ચૂંટણીને લઈ ભાજપે ઉમેદવારો જાહેર કરવાની પ્રક્રિયા તેજ કરી છે. શરૂઆતમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની તમામ બેઠકો માટે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. સાથે જ અરવલ્લી જિલ્લામાં જિલ્લા પંચાયત, નગરપાલિકા અને તાલુકા પંચાયત માટે પણ ઉમેદવારોના નામ જાહેર કરાયા છે. ઉપરાંત નવા રચાયેલા વાવ-થરાદ જિલ્લા પંચાયત તથા ભાભર અને થરાદ નગરપાલિકાની યાદી પણ જાહેર થઈ છે.
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની આ પહેલી ચૂંટણી છે, જેમાં ભાજપે 13 વોર્ડ માટે કુલ 52 ઉમેદવારો જાહેર કર્યા છે. તેમાંના લગભગ 10 ઉમેદવારો અગાઉ નગરપાલિકામાં રહી ચૂક્યા છે. બીજી તરફ, ત્રણ ટર્મથી ચૂંટણી લડતા અને 60 વર્ષથી વધુ ઉંમરના નેતાઓને ટિકિટ આપવામાં આવી નથી. આ નિર્ણયમાં પૂર્વ પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યા સહિતના કેટલાક સિનિયર નેતાઓનો સમાવેશ થાય છે. પૂર્વ ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનને પણ આ વખતે તક આપવામાં આવી નથી.
અરવલ્લી જિલ્લામાં પણ ભાજપે મોટા પાયે ઉમેદવારો જાહેર કર્યા છે. મોડાસા અને બાયડ નગરપાલિકાના 6-6 વોર્ડ માટે 24-24 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. ઉપરાંત વિવિધ તાલુકા પંચાયતો માટે પણ ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે, જેમાં મોડાસા, ભીલોડા, બાયડ, માલપુર, મેઘરજ, શામળાજી અને સાઠંબા તાલુકાઓનો સમાવેશ થાય છે.
ખાસ નોંધનીય બાબત એ છે કે પૂર્વ આઇપીએસ અધિકારી મનોજ નિનામાએ 6 એપ્રિલે રાજીનામું આપ્યા બાદ માત્ર ત્રણ દિવસમાં જ ભાજપમાં જોડાઈ જિલ્લા પંચાયત બેઠક માટે ઉમેદવારી મેળવી લીધી છે, જે રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ