
વડોદરા,09 એપ્રિલ (હિ.સ.) રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા વડોદરા જિલ્લાની ચાર નગરપાલિકાઓ, આઠ તાલુકા પંચાયતો તેમજ જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીઓનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ લોકશાહીના પર્વને સુવ્યવસ્થિત, પારદર્શક અને ન્યાયી રીતે પાર પાડવા માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
જેના ભાગરૂપે, મતદાન અને મત ગણતરીના દિવસે ફરજ બજાવનાર ચૂંટણીલક્ષી કર્મચારીઓને ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈ. વી. એમ.) ની સઘન તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી સમગ્ર ચૂંટણી પ્રક્રિયા ક્ષતિરહિત રીતે સંપન્ન કરી શકાય.
ચૂંટણી પ્રક્રિયામાં સ્ટાફની કામગીરી અત્યંત મહત્વપૂર્ણ હોય છે, જેને ધ્યાનમાં રાખીને જિલ્લા ચૂંટણી તંત્રના માર્ગદર્શન હેઠળ ડભોઈ ખાતે આવેલી કોમર્સ કોલેજ તેમજ વાઘોડિયા ખાતે ચૂંટણી સ્ટાફ માટે વિશેષ ઈ.વી.એમ.તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તાલીમ વર્ગોમાં માસ્ટર ટ્રેનર્સ દ્વારા પ્રિસાઇડિંગ ઓફિસર્સ અને અન્ય પોલિંગ સ્ટાફને ઈ. વી. એમ. ના બેલેટ યુનિટ અને કંટ્રોલ યુનિટના જોડાણ,મોક પોલની પ્રક્રિયા,મશીનનું વિવિધ તબક્કે સીલિંગ તેમજ મતદાનના દિવસે ઊભી થઈ શકતી, કોઈપણ ટેકનિકલ સમસ્યાઓના ત્વરિત નિવારણ અંગે ઝીણવટભરી અને પ્રેક્ટિકલ તાલીમ પૂરી પાડવામાં આવી હતી.
આ તાલીમ સત્ર દરમિયાન ઉપસ્થિત ચૂંટણીલક્ષી કર્મચારીઓએ ઈ.વી.એમ.ની કાર્યપ્રણાલીને પ્રત્યક્ષ રીતે નિહાળીને જરૂરી માર્ગદર્શન મેળવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ