
પાટણ, 09 એપ્રિલ (હિ.સ.)પાટણ જિલ્લામાં પૂર્વ કલેક્ટર અરવિંદ વિજયન અને તેમની પત્નીના નામો તેમની બદલીના એક વર્ષ પછી પણ નગરપાલિકાની મતદાર યાદીમાં યથાવત જોવા મળ્યા છે. 2026ની નગરપાલિકા ચૂંટણી માટે જાહેર થયેલી યાદીમાં વોર્ડ નં. 4ના બુથ નં. 8/9 પર તેમનાં નામ અનુક્રમે ક્રમાંક 424 અને 425 પર નોંધાયેલા છે.
આ બાબત એક રાજકીય અગ્રણીના ધ્યાનમાં આવી હતી. નિયમ મુજબ સ્થળાંતર કરનાર વ્યક્તિના નામ મતદાર યાદીમાંથી દૂર કરવાના હોય છે, છતાં ખાસ સુધારણા દરમિયાન પણ આ નામો હટાવવામાં આવ્યા નથી, જે આશ્ચર્યજનક માનવામાં આવે છે.
અરવિંદ વિજયન એપ્રિલ 2023માં પાટણના કલેક્ટર તરીકે નિયુક્ત થયા હતા અને એપ્રિલ 2025માં તેમની બદલી થઈ હતી. આ મુદ્દે પાટણ નગરપાલિકા અને પ્રાંત કચેરીના ચૂંટણી વિભાગે પણ તપાસ દરમિયાન આ નામો જોઈ આશ્ચર્ય વ્યક્ત કર્યું, પરંતુ આ ભૂલનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ