
અમદાવાદ, 09 એપ્રિલ (હિ.સ.) : આમ આદમી પાર્ટીને છોડ્યા બાદ ખેડૂત નેતા રાજુ કરપડા આજે ગાંધીનગર કમલમ ખાતે ભાજપમાં જોડાયા છે, ત્યારે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલા આપને મોટો રાજકીય ફટકો પડતા રાજકારણ ગરમાયું છે.
અગાઉ જ્યારે તેઓ આપ માં હતા ત્યારે ડંફાસ મારતા હતા કે સૂરજ દાદા આથમણા ઉગશે ત્યારે ભાજપનો ખેસ પહેરીશ. હાલમાં તેઓ ભાજપમાં જોડાયા છે ત્યારે તેમનો આ ડંફાસ મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.રાજુ કરપડા ભાજપમાં જોડાતા જ તેમની સાથે જેલમાં રહેલા આપ નેતા પ્રવીણ રામે પ્રહાર કર્યો કે જેલમાં જ ખેડૂતોના આંદોલનનો સોદો થઈ ગયો હતો.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના માહોલ વચ્ચે ગુજરાતનાં રાજકારણમાં છેલ્લા કેટલાક સમયથી બહુચર્ચિત રાજુ કરપડાને અંગે હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોના મસીહા ગણાતા આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા રાજુ કરપડા હાલ ભાજપમાં જોડાઈ ગયા છે. રાજુ કરપડા આજે 9મી એપ્રિલે બપોરે 1 વાગ્યાની આસપાસ તેઓ ગાંધીનગર કમલમ પહોંચી ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિતના આગેવાનોની હાજરીમાં ભાજપનો કેસરિયો ધારણ કરી લાંબા સમયથી ચાલતી અટકળોનો અંત આવ્યો છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ આજે તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાના ઉમેદવારોનું આઠમું લિસ્ટ જાહેર કર્યું છે. આઠમી યાદીમાં વિવિધ વિસ્તારો અને વિવિધ સમાજમાંથી યુવાનો, વડીલો અને બહેનોનો સમાવેશ કરાયો છે. સાથે જ આજે ભાજપની પ્રથમ અને કોંગ્રેસની બીજી યાદી જાહેર થઈ શકે છે.
રાજુ કરપડા ભાજપમાં જોડાતા આપ નેતા પ્રવીણ રામે જણાવ્યું કે રાજુ કરપડા તેમના પરમ મિત્ર છે અને તેમણે કેસરિયો ધારણ કર્યો છે. તેમણે દાવો કર્યો કે જેલમાં જ ખેડૂતોના આંદોલનનો સોદો થયો હતો, જે અંગે તેઓએ શરૂઆતથી જ શંકા વ્યક્ત કરી હતી.
આગળ તેઓએ કહ્યું કે રાજુ કરપડાએ અગાઉ અનેક આક્ષેપો કર્યા હતા, પરંતુ હવે ભાજપમાં જોડાતા તેમના આક્ષેપો પાયાવિહોણા સાબિત થયા છે.
પ્રવીણ રામે વધુમાં ઉમેર્યું કે આ ઘટનાથી ગુજરાતના ખેડૂતો સમક્ષ સત્ય બહાર આવશે અને આપ વિરુદ્ધ કરવામાં આવેલા આક્ષેપો ખોટા હોવાનું સાબિત થશે. તેમણે આશા વ્યક્ત કરી કે રાજુ કરપડા ભાજપમાં રહીને ખેડૂતોના હિત માટે લડત લડશે અને તેમને ન્યાય અપાવશે.
રાજુ કરપડાએ જણાવ્યું કે સ્વપ્ન લઈને રાજકીય પાર્ટી સાથે જોડાયો હતો. ખેડૂતોનું મજબૂત સંગઠન બનાવવા જોડાયો હતો. ખેડૂતોના મુદ્દે જ્યારે લડાઈ લડી છે ત્યારે હું મજબૂત અવાજ બન્યો છું. હડદડવાળી ઘટનામાં હું જેલમાં ગયો હતો. ખેડૂતોનું હિત ઈચ્છીએ છીએ ત્યારે સત્તા પક્ષના વિરોધથી ખેડૂતનું હિત નહીં થઈ શકે.
ખેડૂતોના પ્રશ્નોના કાયમી નિર્ણય લાવવા સત્તા પક્ષમાં જોડાઈ જવું જોઈએ. ભાજપની સરકારમાં જોડાઈ મારા કિસાનોને હું સમૃદ્ધિ તરફ લઈ જઈ શકીશ. ખેડૂતોના સ્વપ્ન સાકર કરવા આજે હું ભાજપમાં જોડાયો છું. ખેડૂતોની સ્થિતિ સારી થઈ છે તેવું બિલકુલ નથી. ખેડૂતોના સુધારા લાવવા કમોસમી વરસાદ માટે 10 હજાર કરોડનું ઐતિહાસિક પેકેજ આપ્યું છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ટિકિટ માંગવાનો નથી. ટિકિટ માટે પાર્ટી નક્કી કરશે. ચૂંટણી લડવી કે નહીં તે પાર્ટી નક્કી કરશે. રાજુ કપરાડાએ સ્વીકાર કર્યો કે જેલવાસમાં મને બ્રહ્મજ્ઞાન થયું છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ ચૂંટણી સમિતિની ચાલી રહેલી મહત્વપૂર્ણ બેઠક વધુ એક દિવસ માટે લંબાવવામાં આવી છે. મુખ્યમંત્રી નિવાસ સ્થાને યોજાઈ રહેલી આ બેઠકમાં ઉમેદવારોની પસંદગી અંગે અંતિમ મથામણ ચાલી રહી છે. સૂત્રો અનુસાર, અનેક બેઠકો પર ચર્ચા હજુ બાકી હોવાથી નિર્ણય પ્રક્રિયાને પૂર્ણ કરવા માટે બેઠક આવતીકાલ સુધી ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ