તાલાલા છેલ્લા ત્રણ વર્ષથી ઉત્પાદન ઘટતા, ખેડૂતો હૃદય પર પથ્થર રાખીને બગીચો કાપી રહ્યા છે.
ગીર સોમનાથ 9 એપ્રિલ (હિ.સ.) કેસર કેરીના ગઢ તરીકે ઓળખાતા તાલાલા ગીરમાં ચોંકાવનારા દૃશ્યો સામે આવ્યા છે. અહીં ખેડૂતો પોતાના જ હાથથી દાયકાઓથી ઉછેરેલા આંબાના બગીચાઓને કટર મશીનથી કાપીને ઉજ્જડ બનાવી રહ્યા છે. જે આંબા તેઓ દીકરા સમાન ઉછેરતા હતા, આજે એ જ બગ
તાલાલા  છેલ્લા ત્રણ વર્ષથી ઉત્પાદન ઘટતા, ખેડૂતો હૃદય પર પથ્થર રાખીને બગીચો કાપી રહ્યા છે.


ગીર સોમનાથ 9 એપ્રિલ (હિ.સ.) કેસર કેરીના ગઢ તરીકે ઓળખાતા તાલાલા ગીરમાં ચોંકાવનારા દૃશ્યો સામે આવ્યા છે. અહીં ખેડૂતો પોતાના જ હાથથી દાયકાઓથી ઉછેરેલા આંબાના બગીચાઓને કટર મશીનથી કાપીને ઉજ્જડ બનાવી રહ્યા છે. જે આંબા તેઓ દીકરા સમાન ઉછેરતા હતા, આજે એ જ બગીચાઓને જમીનદોસ્ત કરવા મજબૂર બન્યા છે.

આ દૃશ્યો તાલાલા ગીરના ખીરધાર ગામના વાડી વિસ્તારમાંથી સામે આવ્યા છે. અહીં લક્ષ્મણભાઈ અને પ્રવીણભાઈ નામના ખેડૂતનો આશરે 9 વિઘાથી વધુ વિસ્તારનો વર્ષો જૂનો કેસર કેરીનો બગીચો છે. પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી ઉત્પાદન ઘટતા, ખેડૂતો હૃદય પર પથ્થર રાખીને બગીચો કાપી રહ્યા છે.

ખેડૂતોનું કહેવું છે કે ગ્લોબલ વોર્મિંગના કમોસમી વરસાદ અને સતત વાતાવરણ માં પલટો થવાના કારણે આંબામાં ફ્લાવરિંગ સારું થાય છે, પરંતુ પછી નાની કેરી ખરી પડે છે અને જે બચે છે તે પણ સારી રીતે વિકાસ પામતી નથી. પરિણામે ઉત્પાદન ખૂબ ઓછું મળે છે.

દર વર્ષે દવા અને મજૂરી પાછળ 70 થી 80 હજાર રૂપિયા ખર્ચવા છતાં પૂરતું ઉત્પાદન મળતું નથી, જેના કારણે ખેડૂતો હવે આંબા વાડિયા ઉજ્જડ બનાવી રહ્યા છે. માત્ર એક-બે નહીં પરંતુ તાલાલાના અનેક ગામોમાં આવું જ દૃશ્ય જોવા મળી રહ્યું છે.

હવે ખેડૂતો મગફળી, અડદ, મગ, બાજરી, ઘઉં અને ચણા જેવા પાકો તરફ વળી રહ્યા છે.આ પરિસ્થિતિ પાછળનું સાચું કારણ જાણવા અમારી તાલાલા બાગાયત અધિકારી વિજયસિંહ બારડ સાથે મળી. તેમણે જણાવ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં ગ્લોબલ વોર્મિંગની અસર સ્પષ્ટ જોવા મળી રહી છે. અનેક બગીચાઓમાં કેરીનું ઉત્પાદન ઘટતાં ખેડૂતો બગીચાઓ કાપી રહ્યા છે.

પરંતુ તેઓએ એ પણ ઉમેર્યું કે જે ખેડૂતો પ્રાકૃતિક પદ્ધતિથી કેસર આંબાની ખેતી કરે છે, તેમના બગીચાઓમાં ફ્લાવરિંગ અને ઉત્પાદન સારો જોવા મળે છે.

જ્યાં એક તરફ બગીચાઓ કપાઈ રહ્યા છે, ત્યાં બીજી તરફ નવા કેસર આંબાના વાવેતર પણ મોટા પ્રમાણમાં થઈ રહ્યા છે.

છેલ્લા ચારથી પાંચ વર્ષમાં તાલાલા ગીર વિસ્તારમાં મોટી સંખ્યામાં આંબા વાડિયા ઉજ્જડ બન્યા છે. અનેક ખેડૂતો હવે કેસર કેરીની ખેતી છોડી અન્ય પાકો તરફ વળી ગયા છે. ખેડૂતોના મતે, આ વર્ષે બજારમાં કેસર કેરીની આવક ઘટી શકે છે, જેના કારણે કેરી રસિકોને ઊંચી કિંમત ચૂકવવી પડી શકે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande