
અમરેલી,09 એપ્રિલ (હિ.સ.)
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં આરોગ્ય સેવાઓને વધુ સશક્ત બનાવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. તાલુકાના નાગરિકોને વધુ સારી અને અસરકારક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થાય તેવા ઉમદા હેતુ સાથે જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. રશ્મિકાંત જોષી અને આર.સી.એચ.ઓ. ડૉ. એ. કે. સિંઘ દ્વારા અર્બન આરોગ્ય કેન્દ્ર ખાતે વિશેષ સમીક્ષા બેઠક યોજાઈ હતી.
આ બેઠક દરમિયાન આશા બહેનો તથા આરોગ્ય સ્ટાફની કામગીરીનું વિગતવાર મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને માતા અને બાળ આરોગ્ય, રસીકરણ, પોષણ, તથા ગામસ્તરે આપવામાં આવતી પ્રાથમિક આરોગ્ય સેવાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. અધિકારીઓએ આરોગ્ય સેવાઓ વધુ અસરકારક રીતે પહોંચે તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
તેમજ આરોગ્ય કર્મચારીઓને લોકોને વધુ જાગૃત કરવા, સમયસર સારવાર સુનિશ્ચિત કરવા અને સરકારી યોજનાઓનો વધુ લાભ લોકો સુધી પહોંચાડવા સૂચનાઓ આપવામાં આવી હતી.
આ સમીક્ષા બેઠક દ્વારા રાજુલા તાલુકામાં આરોગ્ય વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેનાથી સ્થાનિક નાગરિકોને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai