
મહેસાણા, 09 એપ્રિલ (હિ.સ.) :
મહેસાણા જિલ્લાના રણાસણ ગામે આરોગ્ય સેવાઓને વધુ સશક્ત બનાવવા માટે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા મહત્વપૂર્ણ મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન ડૉ. વિજયભાઈ, ડૉ. વિનોદભાઈ, ડૉ. પંકજભાઈ તેમજ જિલ્લા સુપરવાઈઝર વિશાલભાઈ ઉપસ્થિત રહ્યા હતા.
ટીમ દ્વારા ગામમાં પાણી પુરવઠા સાથે જોડાયેલા મુદ્દાઓ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું. ક્લોરિનેશન પ્રક્રિયા યોગ્ય રીતે થાય છે કે નહીં તથા પાણીની લાઈનના લીકેજ અંગે તલાટી સાથે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પાણીની ગુણવત્તા જળવાઈ રહે તે માટે જરૂરી સૂચનો પણ આપવામાં આવ્યા હતા.
આ ઉપરાંત આરોગ્ય ટીમે ગામમાં સંપ (પાણી સંગ્રહ સ્થળ)ની રૂબરૂ મુલાકાત લઈ તેની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. મમતા દિવસ દરમિયાન ગર્ભવતી મહિલાઓ (ANC) અને પ્રસૂતિ પછીની મહિલાઓ (PNC) માટે આપવામાં આવતી આરોગ્ય સેવાઓની સમીક્ષા કરવામાં આવી હતી. જોખમી ગર્ભાવસ્થા ધરાવતી મહિલાઓને સમયસર સારવાર અને માર્ગદર્શન મળે તે માટે ખાસ ધ્યાન આપવા સૂચનાઓ આપવામાં આવી હતી. આ મુલાકાતથી ગામમાં આરોગ્ય સેવાઓ વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR