ભચાઉ-ભુજ માર્ગ પર બંધ યુરો કંપનીમાં ભયાનક આગ: રેકોર્ડ રૂમ બળીને ખાખ, સમયસર ફાયર ટીમે બચાવી મોટી દુર્ઘટના
કચ્છ, 09 એપ્રિલ (હિ.સ.) ભચાઉ-ભુજ હાઇવે પર આવેલી બંધ પડેલી યુરો કંપનીમાં ગત રાત્રે અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે, જેના કારણે કંપનીનો રેકોર્ડ રૂમ સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગયો હતો. આ ઘટના લગભગ રાત્રે 11 વાગ્યાના આસપાસ બની હતી, જેના કારણે આસપા
Bhachau


કચ્છ, 09 એપ્રિલ (હિ.સ.) ભચાઉ-ભુજ હાઇવે પર આવેલી બંધ પડેલી યુરો કંપનીમાં ગત રાત્રે અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે, જેના કારણે કંપનીનો રેકોર્ડ રૂમ સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગયો હતો. આ ઘટના લગભગ રાત્રે 11 વાગ્યાના આસપાસ બની હતી, જેના કારણે આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

પ્રાથમિક માહિતી મુજબ, લાંબા સમયથી બંધ રહેલી આ કંપનીના રેકોર્ડ રૂમમાંથી અચાનક ધુમાડો નીકળતો દેખાતા સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક ભચાઉ નગરપાલિકાની ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાની સાથે જ ફાયર ટીમ ઝડપી કામગીરી માટે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

ફાયર ફાઇટર પ્રવીણ દાફડા, કુલદીપભાઈ અને શક્તિસિંહ સહિતની ટીમે તાત્કાલિક આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. લગભગ એક કલાકથી વધુ સમય સુધી સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવામાં સફળતા મેળવી હતી. આગની તીવ્રતા એટલી વધુ હતી કે રેકોર્ડ રૂમમાં રાખવામાં આવેલા તમામ દસ્તાવેજો સંપૂર્ણપણે બળી ગયા હતા.

આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ અગ્નિકાંડને કારણે મહત્વપૂર્ણ રેકોર્ડ નષ્ટ થઈ જતાં નુકસાનનો આંકડો મોટો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આગ કયા કારણોસર લાગી તેની ચોક્કસ માહિતી હજી સુધી સામે આવી નથી, અને સંબંધિત તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. સમયસર ફાયર ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવતા આગને ફેલાતી અટકાવવામાં સફળતા મળી હતી, જેના કારણે વધુ મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.

આ ઘટનાએ ફરી એકવાર બંધ પડેલા ઉદ્યોગોમાં સુરક્ષા વ્યવસ્થાઓ અંગે પ્રશ્નો ઊભા કર્યા છે, અને સ્થાનિક તંત્ર માટે ચેતવણીરૂપ બની છે.

હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar


 rajesh pande