

કચ્છ, 09 એપ્રિલ (હિ.સ.) : ભુજ શહેરમાં માનવસેવામાં જીવન સમર્પિત કરનાર એક વૃદ્ધની હત્યાની ઘટનાએ લોકોમાં ભારે આક્રોશ અને ભય ફેલાવ્યો છે. ગરીબોને ઓછી કિંમતમાં રાશનકીટ પહોંચાડતી સેવાભાવી પ્રવૃત્તિ સાથે જોડાયેલા આ વૃદ્ધની નાણાકીય મુદ્દે નિર્મમ રીતે હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.
માહિતી મુજબ, વાણિયાવાડ વિસ્તારમાં રહેતા ૭૧ વર્ષીય રશ્મિકુમાર કનકલાલ શાહ એક જૈન ચેરિટેબલ ટ્રસ્ટ સાથે સંકળાયેલા હતા અને એકલવાયું જીવન જીવી રહ્યા હતા. તેઓ લાંબા સમયથી સમાજસેવા સાથે જોડાયેલા હતા. ગત રાત્રે આશરે ૧૦ વાગ્યાના સમયગાળામાં તેમના પોતાના નિવાસસ્થાને જ તેમની હત્યા કરવામાં આવી. આ બનાવમાં નિલેશ હસમુખલાલ શાહ નામનો વ્યક્તિ, જે કિરાણા વેપારી છે, આરોપી તરીકે સામે આવ્યો છે. નોંધનીય છે કે ઘટનાના લગભગ ચાર કલાક બાદ તે પોતે જ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો અને હત્યાની કબૂલાત કરી હતી. મધરાત્રે અચાનક આવી કબૂલાતથી પોલીસ તંત્ર પણ ચોંકી ઉઠ્યું હતું.
પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું હતું કે મૃતક તેમની દુકાનમાંથી સંસ્થા માટે રાશનની ખરીદી કરતા હતા. તે દિવસે રાત્રે તે બાકી નાણાં લેવા માટે તેમના ઘરે ગયો હતો, જ્યાં બંને વચ્ચે પૈસાની બાબતે બોલાચાલી થઈ હતી. આ વિવાદ ધીમે ધીમે ઉગ્ર બનતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો. ઉશ્કેરાટમાં આવીને તેણે પહેલા મેટલની બોટલ વડે માથામાં ઘા માર્યો અને ત્યારબાદ ઘરમાં પડેલા દસ્તાથી વારંવાર હુમલો કર્યો હતો. ગંભીર ઈજાઓને કારણે વૃદ્ધ જમીન પર ઢળી પડ્યા અને સ્થળ પર જ તેમનું મોત નિપજ્યું.
ઘટના બાદ આરોપી ત્યાંથી નાસી ગયો હતો, પરંતુ થોડા સમય પછી પોતાના જ ગુનાનો સ્વીકાર કરીને પોલીસ સમક્ષ હાજર થયો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે બેડરૂમમાં લોહીથી ભરાયેલું દ્રશ્ય જોવા મળ્યું હતું. મૃતદેહ જમીન પર પડેલો હતો અને ઘરનો સામાન પણ વિખેરાયેલો જોવા મળ્યો હતો. બનાવની જાણ થતા મૃતકના સગાસંબંધીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
ફરિયાદમાં વધુ એક મહત્વપૂર્ણ મુદ્દો સામે આવ્યો છે કે ઘરમાં લાગેલાં CCTV કેમેરાનું DVR ગાયબ છે. પોલીસને શંકા છે કે આરોપીએ પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હોઈ શકે. પ્રાથમિક માહિતી મુજબ DVR અને મોબાઈલ હમિરસર વિસ્તારમાં ફેંકી દેવામાં આવ્યા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેને શોધવા માટે પોલીસે કામગીરી તેજ કરી છે.
હાલ પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. આ ઘટના બાદ શહેરમાં લોકોમાં દુઃખ અને ગુસ્સો વ્યાપી ગયો છે, ખાસ કરીને એક સેવાભાવી વ્યક્તિને આ રીતે મોતને ઘાટ ઉતારવામાં આવતાં સમાજમાં ચિંતાનો માહોલ સર્જાયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar