

કચ્છ, 09 એપ્રિલ (હિ.સ.) : આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કચ્છ જિલ્લામાં મતદાન પ્રત્યે જાગૃતિ વધારવા માટે ભુજમાં એક પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાયો હતો. તા. ૨૬ એપ્રિલ ૨૦૨૬ના રોજ યોજાનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને જિલ્લા તંત્ર દ્વારા વિવિધ જાગૃતિ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. તેના ભાગરૂપે આજે ભુજ ખાતે ભવ્ય મતદાન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં આર.ડી. વરસાણી વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ હાથમાં બેનરો અને સૂત્રો સાથે લોકશાહીનું મહત્ત્વ સમજાવતા સંદેશો આપ્યા હતા, જેના કારણે શહેરમાં જાગૃતિનો માહોલ સર્જાયો હતો. રેલીને જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી આનંદ પટેલ દ્વારા લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
રેલી આર.ડી. વરસાણી વિદ્યાલયથી શરૂ થઈને શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ જયુબિલી ગ્રાઉન્ડ સુધી પહોંચી હતી. આ દરમિયાન મોટી સંખ્યામાં નાગરિકો, શિક્ષકો અને સરકારી અધિકારીઓ પણ જોડાયા હતા, જેનાથી કાર્યક્રમને વિશાળ પ્રતિસાદ મળ્યો હતો.
આ સમગ્ર આયોજન જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા પ્રાંત અધિકારી એ.બી. જાદવ, મામલતદાર તેજસ પટેલ, પ્રાથમિક શિક્ષણાધિકારી પી.જી. ઝાલા, સમાજ સુરક્ષા અધિકારી દશરથ દેસાઈ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. સાથે સાથે શિક્ષણ વિભાગના અધિકારીઓ, શાળાના ટ્રસ્ટીઓ અને સ્ટાફ દ્વારા પણ મહત્વપૂર્ણ યોગદાન આપવામાં આવ્યું હતું.
આ જાગૃતિ રેલીનો મુખ્ય હેતુ નવા મતદારોમાં મતદાન પ્રત્યે રસ અને જવાબદારીની ભાવના વિકસાવવાનો હતો. ખાસ કરીને યુવાનોને મતદાનના અધિકારનો સદુપયોગ કરવા પ્રેરિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમથી સ્પષ્ટ થાય છે કે જિલ્લા તંત્ર દ્વારા લોકશાહી પ્રક્રિયાને વધુ મજબૂત બનાવવા અને દરેક મતદાર સુધી મતદાનનું મહત્વ પહોંચાડવા માટે સક્રિય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar