

કચ્છ, 09 એપ્રિલ (હિ.સ.) : સુખપર વિસ્તારમાં આવેલા ટાટા મોટર્સના શોરૂમ પાછળ ઉભેલી એક કારમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. ગત રાત્રે આશરે 10:30 વાગ્યાના સમયે બનેલી આ ઘટનાએ આસપાસના વિસ્તારમાં થોડો સમય માટે ભયનો માહોલ સર્જ્યો હતો.
પ્રાથમિક માહિતી મુજબ, કારમાંથી ધુમાડો અને આગની જ્વાળા દેખાતા તાત્કાલિક 112 ઇમરજન્સી સેવા પર જાણ કરવામાં આવી હતી. 112 ઇમરજન્સી દ્વારા વિલંબ કર્યા વગર સમગ્ર ઘટનાની જાણ ભુજ ફાયર વિભાગને પહોંચાડવામાં આવી હતી.
માહિતી મળતાં જ ભુજ ફાયર વિભાગની ટીમ ડીસીપીઓ ભગતસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક ઘટના સ્થળે દોડી પહોંચી હતી. ટીમમાં ફાયરમેન રફીક ખલીફા, જય ઠક્કર, દક્ષ ભટ્ટ સહિતના જવાનો સામેલ હતા. ફાયર વિભાગે ઝડપી કાર્યવાહી કરીને આગ પર કાબૂ મેળવ્યો હતો.
સમયસર આગ બુઝાવી દેવામાં આવતા કોઈ મોટી જાનહાનિ કે માલમત્તાનું વિશાળ નુકસાન થતું અટકાવી શકાયું હતું. ખાસ કરીને આસપાસ અન્ય વાહનો અને શોરૂમ હોવાને કારણે આગ વધુ ફેલાય તેવી શક્યતા હતી, પરંતુ ફાયર ટીમની સતર્કતા અને ઝડપી કામગીરીથી મોટી દુર્ઘટના ટળી હતી. હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પ્રાથમિક અંદાજ મુજબ ટેક્નિકલ ખામી અથવા શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોઈ શકે છે, જોકે સચોટ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સ્થાનિક લોકો દ્વારા પણ ફાયર વિભાગની કામગીરીની પ્રશંસા કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar