
મહેસાણા, 09 એપ્રિલ (હિ.સ.) મહેસાણા જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી અંતર્ગત લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ સાત વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. બાવલુ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશન ગુનામાં સંડોવાયેલ આરોપી લાંબા સમયથી નાસતો ફરતો હતો.
ફરાર આરોપીઓને પકડવા માટે વિશેષ અભિયાન હાથ ધરાયું હતું. જેના ભાગરૂપે પોલીસ ઇન્સ્પેક્ટર એસ.આર. ચૌધરીના નેતૃત્વમાં ટીમે સતત પેટ્રોલિંગ અને બાતમી આધારે કાર્યવાહી કરી હતી.
દરમિયાન, એલસીબી સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે આરોપી ઠાકોર રમેશજી ભાયચંદજી શંકરજી , રહેવાસી ડુંગરાસણ, તા. કાંકરેજ, જી. બનાસકાંઠાને મહેસાણા સિવિલ હોસ્પિટલ નજીકથી ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી વિરુદ્ધ 2019માં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો.
પકડાયેલા આરોપી સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 35(1) મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વધુ તપાસ માટે તેને મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR