
મહેસાણા, 09 એપ્રિલ (હિ.સ.) મહેસાણા મહાનગરપાલિકામાં નવા સમાવિષ્ટ થયેલા ગામોમાં વિરોધનો માહોલ દિવસેને દિવસે તેજ બનતો જાય છે. તાવડિયા અને ઉચરપી બાદ હવે દેલા ગામના ગ્રામજનોએ પણ આગામી મનપા ચૂંટણીનો બહિષ્કાર કરવાનો એલાન કર્યો છે. ગામમાં ઠેર-ઠેર “કોઈપણ રાજકીય પક્ષે પ્રચાર માટે પ્રવેશ ન કરવો” એવા બેનરો લગાવવામાં આવતા રાજકીય વર્તુળોમાં ચિંતા વ્યાપી ગઈ છે.
સ્થાનિક અગ્રણી કિરણ ચૌધરીના જણાવ્યા મુજબ, મનપામાં સમાવેશનો વિરોધ શરૂઆતથી જ ચાલી રહ્યો છે અને આ મુદ્દો હાલ હાઈકોર્ટમાં વિચારાધીન છે. આગામી શુક્રવારે ચુકાદો આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
બીજી તરફ, છેલ્લા 4 થી 5 મહિનાથી ગ્રામ પંચાયત બંધ હોવાથી વહીવટી તંત્ર ખોરવાઈ ગયું છે. વિદ્યાર્થીઓને સ્કૂલ દાખલા મેળવવામાં મુશ્કેલી પડી રહી છે, જ્યારે વેરા પાવતી જેવી જરૂરી સેવાઓ માટે ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પંચાયતનો રેકોર્ડ હજુ સુધી નગરપાલિકાએ સંભાળ્યો નથી.
ખેડૂતોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. ભારતમાળા હાઈવે, રીંગ રોડ અને ઇન્ડસ્ટ્રીયલ ઝોન જેવા પ્રોજેક્ટ્સને કારણે જમીન ગુમાવવાનો ડર વ્યાપી રહ્યો છે, જેનાથી ખેતી અને પશુપાલન પર સંકટ ઊભું થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR