
મહેસાણા, 09 એપ્રિલ (હિ.સ.) ઊંઝા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC), જે એશિયાના સૌથી મોટા મસાલા માર્કેટ તરીકે ઓળખાય છે, તેણે માનવીય અભિગમ દાખવતા શ્રમિકો માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. યાર્ડમાં દિવસ-રાત મહેનત કરતા પોર્ટર (મજૂર) ભાઈઓને હવે રસોઈ બનાવવા માટે ગેસ સિલિન્ડર આપવામાં આવ્યા છે.
શ્રમિકોને લાકડા જેવા પરંપરાગત ઈંધણના કારણે પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને, સરકારની યોજના હેઠળ HP Gas ના 5 કિલોના FTL સિલિન્ડરનું વિતરણ કરવામાં આવ્યું. આ પગલાથી શ્રમિકોના સ્વાસ્થ્યનું રક્ષણ થશે અને સમયની પણ બચત થશે.
આ પ્રસંગે APMC ના ચેરમેન દિનેશ પટેલે જણાવ્યું હતું કે, “શ્રમિકો માર્કેટયાર્ડની કરોડરજ્જુ છે અને તેમના કલ્યાણ માટે અમે પ્રતિબદ્ધ છીએ.” કાર્યક્રમમાં APMC ના પ્રતિનિધિઓ અને HP Gas ના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.સિલિન્ડર મળતાં શ્રમિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. મજૂર પરિવારોના જણાવ્યા મુજબ હવે રોજિંદા ભોજન બનાવવું સરળ બનશે. ઊંઝા APMC નો આ સંવેદનશીલ નિર્ણય અન્ય સંસ્થાઓ માટે પણ પ્રેરણારૂપ બની રહ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR