
મહેસાણા, 09 એપ્રિલ (હિ.સ.) : સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણી 2026ને અનુલક્ષીને મહેસાણા જિલ્લાના પાંચોટ ગામમાં મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત ખાસ કાર્યક્રમ યોજાયો હતો. લોકશાહી મજબૂત બનાવવા અને વધુમાં વધુ મતદાન થાય તે હેતુસર દૂધ ઉત્પાદક મંડળી ખાતે આ આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ એમ.એસ. પટેલ આદર્શ વિદ્યાલય અને પટેલ હેમકોરબા ઉચ્ચતર વિદ્યાલયના બી.એલ.ઓ. આરતીબેન પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. સવારના સમયે પશુપાલકો દૂધ ભરાવવા માટે મંડળી ખાતે એકત્રિત થતા હોવાને કારણે આ સ્થળની પસંદગી કરવામાં આવી હતી, જેથી વધુમાં વધુ લોકો સુધી સંદેશ પહોંચાડી શકાય.
કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોને મતદાનનું મહત્વ, એક-એક મતની કિંમત અને લોકશાહીમાં તેમની ભૂમિકા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ઉપસ્થિત લોકોને આવનારી ચૂંટણીમાં અવશ્ય મતદાન કરવા માટે પ્રેરણા આપવામાં આવી હતી. ગ્રામજનો દ્વારા પણ આ અભિયાનને સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો. આ પ્રકારના પ્રયાસોથી ગ્રામ્ય વિસ્તારોમાં મતદાન પ્રત્યે જાગૃતિ વધશે અને લોકશાહીના પાયાને વધુ મજબૂતી મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR