
મહેસાણા, 09 એપ્રિલ (હિ.સ.) વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા લુંટ/ધાડના ગુનામાં છેલ્લા લગભગ 5 મહિનાથી નાસતા ફરતા આરોપીને મહેસાણા એસ.ઓ.જી. પોલીસે ઝડપી પાડ્યો છે. જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી અને ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેક્ટર જી.આર. રબારીના નેતૃત્વમાં પો.સ.ઈ. બી.ડી. વાઘેલા, એ.એમ. રાઠોડ સહિતની ટીમ દ્વારા નાસતા આરોપીઓને પકડવા ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન મોઢેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમ્યાન પોલીસને બાતમી મળી હતી કે વિસનગરના ગુનામાં વોન્ટેડ આરોપી ઠાકોર આશિષજી જાલમજી (ઉ.વ. 25, રહે. પાલજ-ઇજપુરા, મહેસાણા) માત્રાસણ ગામના બસ સ્ટેન્ડ નજીક હાજર છે.
આ માહિતીના આધારે પોલીસ ટીમે સ્થળ પર પહોંચી આરોપીને ઝડપી લીધો હતો. આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 310 સહિત આર્મ્સ એક્ટ અને જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધાયેલો છે.
પકડાયેલ આરોપીને વધુ કાનૂની કાર્યવાહી માટે વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR