

મહેસાણા, 09 એપ્રિલ (હિ.સ.) : વિસનગર શહેરના વડનગરી દરવાજા વિસ્તારમાં આવેલા ઐતિહાસિક દેળીયા તળાવની નગરપાલિકા દ્વારા સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે. તળાવમાં લાંબા સમયથી જંગલી વેલાઓ અને જલકુંભી વધતા પાણી સડી ગયું હતું અને ભારે દુર્ગંધ ફેલાઈ રહી હતી, જેના કારણે સ્થાનિકો તેમજ દર્શનાર્થીઓને અવરજવરમાં મુશ્કેલી પડી રહી હતી.
નગરપાલિકા તંત્રએ સરકારની ‘વિઝિબલ ક્લિનિનેસ થીમ’ અંતર્ગત માનવબળ અને જેસીબી મશીનોની મદદથી સફાઈ અભિયાન શરૂ કર્યું છે. કામગીરી દરમિયાન તળાવમાંથી તણાઈ આવેલા વેલાઓ અને ગંદકી બહાર કાઢવામાં આવી હતી. અંદાજે પાંચ ટ્રેક્ટર જેટલો કચરો અને જલકુંભી એકત્ર કરી તેનું યોગ્ય નિકાલ કરવામાં આવ્યો છે. તળાવની આસપાસ છબીલા હનુમાનજી, શનિદેવ મંદિર અને રામજી મંદિર જેવા પવિત્ર ધાર્મિક સ્થળો આવેલા હોવાથી દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંથી પસાર થાય છે. દુર્ગંધ અને ગંદકીના કારણે લોકોમાં અસંતોષ જોવા મળ્યો હતો અને સફાઈ માટે લાંબા સમયથી માંગ ઉઠી રહી હતી. નગરપાલિકા દ્વારા શરૂ કરાયેલ આ કામગીરીને સ્થાનિકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે અને તળાવને સ્વચ્છ રાખવા સતત પ્રયત્નો કરવાની માંગ પણ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR