
મહેસાણા, 09 એપ્રિલ (હિ.સ.) : વિસનગર શહેરના દરબાર રોડ સ્થિત જાનીવાડા વિસ્તારમાં પાણીની ટાંકી સાથે જોડાયેલી મોટરનું સેક્શન તૂટી જતાં ભારે માત્રામાં પાણી ઉભરાઈને વેડફાટ થયો હતો. ઘટનાને કારણે રસ્તા પર પાણી ફરી વળતા સ્થાનિક લોકોને તેમજ વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ વિસ્તારમાં પાલિકાની ટાંકી વારંવાર ઉભરાતી રહે છે, જેના કારણે કડા દરવાજા અને સવાલા દરવાજા સુધી પાણી ફેલાઈ જાય છે. પરિણામે હજારો લીટર પાણીનો વ્યય થતો હોવા સાથે રસ્તા પર અવરજવર કરનારાઓને મુશ્કેલી પડે છે. સ્થાનિકોએ આ સમસ્યાના તાકીદે નિરાકરણની માંગ ઉઠાવી છે.
લોકોનું કહેવું છે કે પાલિકાના વોટરવર્કસ વિભાગને આ બાબતની જાણ હોવા છતાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. જોકે પાલિકાના સૂત્રોના જણાવ્યા મુજબ અગાઉની સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું, પરંતુ બુધવારે મોટરનું સેક્શન તૂટતા આ સ્થિતિ સર્જાઈ હતી. પાલિકા દ્વારા તાત્કાલિક સમારકામ કરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે અને ભવિષ્યમાં આવી સમસ્યા ન સર્જાય તે માટે પગલાં લેવાશે તેવી ખાતરી આપવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR