
જામનગર, 09 એપ્રિલ (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકાની 2026ની ચૂંટણીમાં આ વખતે પરંપરાગત રાજકારણની સાથે કાયદાકીય અને ગુનાહિત પ્રકરણોનો ગરમાવો ભળતા એક નવો જ ઇતિહાસ રચાઈ રહ્યો છે. જામનગરના રાજકીય ફલક પર પ્રથમ વખત એવું બની રહ્યું છે કે જેમાં ‘ગુજસીટોક’ (GUJCTOC) જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા હોય તેવા ત્રણ દિગ્ગજ ચહેરાઓ ચૂંટણી મેદાનમાં ઉતરી રહ્યા છે.
જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 16માંથી કોંગ્રેસે પૂર્વ કોર્પોરેટર અતુલ ભંડેરીને મેદાનમાં ઉતાર્યા છે, જેઓ અગાઉ ગુજસીટોક કેસમાં પકડાયા બાદ હાલ જામીન પર મુક્ત છે. બીજી તરફ, પૂર્વ વિપક્ષી નેતા અસલમ ખીલજીને રાજકોટની સ્પેશિયલ કોર્ટે પોલીસ જાપ્તા હેઠળ આજે 9 તારીખે ઉમેદવારી પત્ર ભરવાની વિશેષ મંજૂરી આપી છે. અસલમ ખીલજી છેલ્લા 20 વર્ષથી કોર્પોરેટર તરીકે ચૂંટાતા આવ્યા છે અને હાલ પોલીસ રિમાન્ડ પર હોવા છતાં પાંચમી વખત ચૂંટણી લડવા સજ્જ છે. આ ઉપરાંત, પૂર્વ વિપક્ષી નેતા અલ્તાફ ખફીએ પણ ઉમેદવારી નોંધાવવા માટે ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખટખટાવ્યા છે. અલ્તાફ ખફી હાલ મારામારીના કેસમાં જેલવાસ ભોગવી રહ્યા છે અને નીચલી કોર્ટે જામીન નકારતા તેમણે વડી અદાલત પાસે મંજૂરી માંગી છે.
આમ આદમી પાર્ટી તરફથી પણ ગુજસીટોક પ્રકરણમાં સંડોવાયેલા અસલમ ખિલજી ઉમેદવારી કરી રહ્યા છે, જેમને કોર્ટ તરફથી લડવાની લીલી ઝંડી મળી ગઈ છે. આ ઉપરાંત, વોર્ડ નંબર 6 માં કોંગ્રેસ પક્ષમાં એવા પૂર્વ કોર્પોરેટરના પ્રવેશથી ચર્ચા જાગી છે જેઓ અગાઉ એસીબી (ACB) ના હાથે લાંચ લેતા રંગેહાથ પકડાયા હતા. જામીન પર મુક્ત થયા બાદ તેઓ પણ હવે કોંગ્રેસના સિમ્બોલ પર ચૂંટણી લડે તેવી પ્રબળ સંભાવના છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt