
અમદાવાદ, 09 એપ્રિલ (હિ.સ.) : ચાંદખેડાના બહુચર્ચિત ઢોસાના ખીરાથી બે બાળકીના શંકાસ્પદ મોત કેસમાં નવો વળાંક,માતા-પિતાના બ્લડમાંથી એલ્યુમિનિયમ ફોસ્ફેટ દવાની હાજરી મળી.
શહેરના ચાંદખેડામાં ઢોસા ખીરા કાંડમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. ચાંદખેડામાં બહારથી ખીરું લાવ્યા બાદ ઘરે ઢોસા બનાવીને ખાધા બાદ પરિવારના સભ્યોની તબિયત લથડી હતી. જેમાં આ પરિવારની બે દીકરીઓ - અઢી માસની રાહા અને ત્રણ વર્ષની મિસ્ટીનું મોત નીપજ્યું હતું. જે બાદ તેમના માતા-પિતાની પણ તબિયત બગડતાં તેમને પણ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ચર્ચાસ્પદ કેસમાં બ્લડ રિપોર્ટનો પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં બાળકીઓના બ્લડ રિપોર્ટમાં એલ્યુમિનિયમ ફોસ્ફેટનું પ્રમાણ મળી આવ્યું છે. જોકે, નિષ્ણાતોએ આ અંગે જણાવ્યું છે કે, એફએસએલના રિપોર્ટ બાદ જ મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાશે.
ઢોસાનું ખીરું ખાધા બાદ બીમાર પડેલા માતા-પિતાને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં બન્નેના બ્લડ સેમ્પલ લઈને પોલીસ દ્વારા એફએસએલમાં મોકલવામાં આવ્યા હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બ્લડ સેમ્પલના રિપોર્ટમાં એલ્યુમિનિયમ ફોસ્ફેટ દવાની હાજરી મળી આવી છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.
તેમજ બન્ને બાળકીઓમાં આ જ દવાની હાજરી મળે છે કે નહીં તેની તપાસ ચાલુ છે. થોડા દિવસ પહેલા બાળકીઓના પિતા ઘઉંમાં મૂકવા માટે દવા લાવ્યા હતા.
આ રિપોર્ટને પગલે હવે પોલીસ દ્વારા આત્મહત્યા કે હત્યાની દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.
સૂત્રો મુજબ ઢોંસાના ખીરાના ખાવાના કારણે બે બાળકીઓના મોત અને માતા-પિતા ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ થાય એ વાત શક્ય નથી. જેને લઈને હવે પોલીસ દ્વારા બ્લડ સેમ્પલના રિપોર્ટના આધારે તપાસ કરી રહી છે.
ગત 7 એપ્રિલના રોજ FSLની હાજરીમાં ત્રણ માસની બાળકી રાહાનો ચાર દિવસે મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. પરિવારે 4 એપ્રિલે બાળકીના મોત બાદ મૃતદેહની અંતિમવિધિ કરી હતી. ત્યાર બાદ મૃતક બાળકીઓના ઘરમાં પણ FSLની ટીમે ઝીણવટભરી તપાસ કરી હતી. આ દરમિયાન ચાદર, કપડા, ખીરું ભરવામાં આવ્યું તે વાસણ, બાળકોની દવા સહિતની ચીજવસ્તુઓ કબજે કરી હતી.
વિમલ પ્રજાપતિ જે સમયે દુકાનમાંથી ઢોંસાનુ ખીરૂ લીધુ ત્યારે લઈને તે કેટલા વાગે ઘરે પહોંચે છે. તેના માટે પોલીસે CCTV ફૂટેજ તપાસવાના શરૂ કર્યાં છે. પોલીસ મિનિટ ટુ મિનિટનું મોનીટરીંગ કરશે. ઢોંસાનું ખીરૂ લઈને વિમલ સીધો ઘરે જ ગયો હતો કે પછી ક્યાંય રોકાયો હતો, તેની ઉંડાણ પુર્વક તપાસ થશે. આ સિવાય ડેરીથી લઈને વિમલના ઘર સુધી જેટલા પણ CCTV કેમેરા છે, તેના તમામ ફુટેજ ચેક કરાશે. પોલીસનું માનવુ છે કે જો ડેરીના ખીરામાં પ્રોબ્લેમ હોય તો અન્ય ગ્રાહકોને પણ ફૂડ પોઈઝનિંગની અસર થવી જોઈએ, પરંતુ તેવું નહી થતા અંતે કંઈક અજુગતુ બન્યુ હોય તેવી પોલીસને શંકા છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ