
ગાંધીનગર, 09 એપ્રિલ (હિ.સ.) આજે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ‘ કોબા, ગાંધીનગર ખાતે સૌરાષ્ટ્રના યુવા ખેડૂત આગેવાન રાજુ કરપડા સેંકડો સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતાં. પ્રદેશ મહામંત્રી અનિરૂદ્ધ દવેએ રાજુ કરપડાને ભાજપાનો ખેસ પહેરાવી ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત આવકાર્યા હતાં. આ માહિતી ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગ એ જણાવી.
આ પ્રસંગે યુવા ખેડૂત આગેવાન રાજુ કરપડાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર અને ગુજરાતની ભાજપા સરકાર ખેડૂતો માટે અનેકવિધ કાર્યો કરી રહી છે તે જોતાં ભાજપામાં રહી તેઓ ખેડૂતો માટે કાર્ય કરી રાજનીતિમાં આવવાના તેમના ખેડૂત કલ્યાણના ઉદ્દેશ્યને સાચા અર્થમાં સિદ્ધ કરી શકશે. તેમણે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ ભાજપાના વફાદાર સૈનિક તરીકે સતત કાર્યરત રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
તેમણે કહ્યું કે, તેઓ ખેડૂત હિત માટે વધુ પ્રભાવી અને અસરકારક રીતે કાર્ય કરવા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જે રીતે કમોસમી વરસાદ બાદ ખેડૂતોની પડખે રહી સંવેદનશીલતા દાખવી રૂ. 10 હજાર કરોડની સીધી સહાય અને રૂ. 15 હજાર કરોડની ટેકાના ભાવે ખરીદી સાથે રૂ.૨૫ હજાર કરોડનું ઐતિહાસિક રાહત પેકેજ દ્વારા ખેડૂતોને તેમના ખાતામાં સીધી સહાય આપી તે માટે ગુજરાતની ભાજપા સરકારનો તેઓએ આભાર વ્યક્ત કર્યો હતો.
પ્રદેશ મહામંત્રી અનિરૂદ્ધ દવે, પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફીયા, પ્રદેશ ઉપાધ્યક્ષ રસિક પ્રજાપતિ, રાજ્ય સરકારના પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ, પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલ પટેલ, ભાજપા અગ્રણી ભરત બોઘરા સહિતના ભાજપા આગેવાનોએ રાજુ કરપડા સાથે ભાજપમાં જોડાઈ રહેલ વિવિધ સમાજના આગેવાનો અને સમર્થકોને ભાજપાનો ખેસ પહેરાવી તેઓનું ભારતીય જનતા પાર્ટીમાં હર્ષભેર સ્વાગત કર્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ