
સુરત, 09 એપ્રિલ (હિ.સ.): સુરતના વરાછા વિસ્તારમાં રહેતી એક સગીરાને લલચાવી અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ કરવાના ગંભીર આરોપમાં પોલીસે ઝડપભેર કાર્યવાહી કરી આરોપી અલ્પેશ ગોહિલને પકડી પાડ્યો છે. 21 ફેબ્રુઆરીએ નોંધાયેલી ગુમશુદગીની ફરિયાદ બાદ પોલીસ તંત્ર તત્કાળ હરકતમાં આવ્યું હતું અને તપાસ શરૂ કરી હતી.
તપાસ દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસને મહત્વપૂર્ણ માહિતી મળી હતી, જેના આધારે આરોપીનું લોકેશન ટ્રેસ કરવામાં આવ્યું હતું. આરોપી મૂળ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના રૂપાવટી ગામનો રહેવાસી છે અને સુરતમાં રત્નકલાકાર તરીકે કામ કરતો હતો. તેણે સગીરાને પ્રેમજાળમાં ફસાવી પોતાના વતનમાં લઈ જઈ અપહરણ કર્યું હોવાનું સામે આવ્યું છે.
પોલીસે આરોપીને કસ્ટડીમાં લઈ ભારતીય દંડ સંહિતા તથા પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ સગીરાને સુરક્ષિત રીતે પરત લાવવા માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે, જ્યારે આરોપીના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ ચાલુ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે