
સુરત, 09 એપ્રિલ (હિ.સ.) : વિશ્વ નવકાર મહામંત્ર દિવસની ઉજવણી વચ્ચે સુરતમાંથી એક પ્રેરણાદાયી ઘટના સામે આવી છે. 64 વર્ષીય શોભાબેન શાહે નવકાર મંત્ર પ્રત્યેની પોતાની અખંડ શ્રદ્ધાને અનોખા સ્વરૂપમાં રજૂ કરી છે. તેમણે અત્યાર સુધી 75,000 વખત નવકાર મંત્ર લખી નાખ્યો છે અને ખાસ વાત એ છે કે આ લેખન તેમણે માત્ર એક કે બે નહીં પરંતુ વિશ્વની લગભગ 90 ભાષાઓમાં કર્યું છે. તેમના માટે આ સાધના માત્ર ધાર્મિક પ્રથા નથી, પરંતુ આંતરિક શાંતિ અને સકારાત્મકતા મેળવવાનો માર્ગ બની છે.
શોભાબેન જણાવે છે કે નવકાર મંત્રના નિયમિત લેખનથી તેમના જીવનમાં મોટો બદલાવ આવ્યો છે. એક સમયે ચિંતિત રહેતા મનને હવે શાંતિ મળી છે. તેઓ દરરોજ વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઊઠીને લગભગ ચાર કલાક સુધી એકાગ્રતાપૂર્વક મંત્ર લખે છે. તેમની આ શિસ્ત અને સમર્પણના કારણે તેઓ અત્યાર સુધીમાં 55 જેટલી નોટબુક્સ ભરી ચૂક્યા છે, જે તેમની ભક્તિનું જીવંત પ્રતીક છે.
તેમની ખાસિયત એ છે કે તેમણે નવકાર મંત્રને વિવિધ ભાષાઓ અને લિપિઓમાં રજૂ કર્યો છે. બ્રાહ્મીથી લઈને અરેબિક, તેમજ ફ્રેન્ચ, જર્મન, ઉર્દુ અને અન્ય અનેક ભાષાઓમાં તેઓ મંત્ર લખી શકે છે. માત્ર એટલું જ નહીં, તેમણે મંત્રને કલાત્મક આકૃતિઓમાં પણ ગોઠવીને એક નવીન અભિગમ અપનાવ્યો છે, જેમાં જૈન પ્રતિકો, કમળ, અષ્ટમંગલ જેવી રચનાઓનો સમાવેશ થાય છે.
આગળ વધતા શોભાબેન હવે ટેક્નોલોજીની મદદ લેવાનો વિચાર કરી રહ્યા છે. તેઓ ChatGPT જેવી આધુનિક સાધનો દ્વારા નવી ભાષાઓ શીખીને પોતાના લક્ષ્યને વિસ્તૃત કરવા માંગે છે. તેમનું આગામી ધ્યેય વિશ્વની 150 ભાષાઓમાં નવકાર મંત્ર લખવાનું છે. તેઓ માને છે કે આ પ્રકારની સાધના આજની પેઢી માટે પ્રેરણારૂપ બની શકે છે અને માનસિક શાંતિ તરફ દોરી શકે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે