
મહેસાણા, 09 એપ્રિલ (હિ.સ.) : ઊંઝા માર્કેટયાર્ડમાં અચાનક ત્રાટકેલા માવઠાએ ખેડૂતો અને વેપારીઓ માટે મુશ્કેલી ઉભી કરી છે. ભારે પવન અને ગાજવીજ સાથે આવેલા વરસાદને કારણે યાર્ડમાં ખુલ્લામાં રાખેલા જીરું, વરિયાળી અને ખાસ કરીને ઈસબગુલ જેવા મસાલા પાક પલળી જતા નુકસાનની ભીતિ ઊભી થઈ છે. હાલમાં યાર્ડમાં 1 લાખથી વધુ બોરીની આવક વચ્ચે આ પરિસ્થિતિ સર્જાતા ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે.
ભલે બે દિવસ પહેલાં APMC દ્વારા વરસાદની આગાહી અંગે સૂચના આપવામાં આવી હતી, છતાં માલની ભારે આવકને કારણે ઘણો જથ્થો ખુલ્લામાં જ રહ્યો હતો. પરિણામે વરસાદે અનેક ખેડૂતોના પાકને અસર પહોંચાડી છે. વરસાદને કારણે અંદાજે 1500 જેટલા ખેડૂતો યાર્ડમાં જ ફસાઈ ગયા હતા અને તેમને રાત્રી રોકાણ કરવું પડ્યું હતું. આ મુશ્કેલ સમયમાં ઊંઝા APMC તંત્ર ખેડૂતોની મદદે આવ્યું હતું. ચેરમેન દિનેશ પટેલના માર્ગદર્શન હેઠળ APMC દ્વારા ફસાયેલા ખેડૂતો માટે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.
કુદરતી આફત વચ્ચે APMC દ્વારા આપવામાં આવેલી આ સહાય પ્રશંસનીય ગણાઈ રહી છે, છતાં પાકને થયેલા નુકસાનને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ યથાવત રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR