વલસાડમાં મતદાર જાગૃતિ અભિયાનનો પ્રારંભ, 24 એપ્રિલ સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે
વલસાડ, 09 એપ્રિલ (હિ.સ.) : વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વ્યાપક મતદાર જાગૃતિ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જિલ્લા ચૂંટણી અધિકારી ભવ્ય વર્માના માર્ગદર્શન હેઠળ SVEEP (Systematic Voters’ Ed
વલસાડમાં મતદાર જાગૃતિ અભિયાનનો પ્રારંભ, 24 એપ્રિલ સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે


વલસાડ, 09 એપ્રિલ (હિ.સ.) : વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વ્યાપક મતદાર જાગૃતિ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જિલ્લા ચૂંટણી અધિકારી ભવ્ય વર્માના માર્ગદર્શન હેઠળ SVEEP (Systematic Voters’ Education and Electoral Participation) અંતર્ગત વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજાશે. આ અભિયાન તા. ૭ એપ્રિલથી શરૂ થઈ ચૂક્યું છે અને તા. ૨૪ એપ્રિલ સુધી ચાલુ રહેશે.

આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ જિલ્લામાં વધુમાં વધુ મતદારોમાં જાગૃતિ લાવવાનો તથા મતદાન પ્રત્યે લોકોમાં રસ વધારવાનો છે. શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, શિક્ષકો, ગ્રામજનો અને વિવિધ સંસ્થાઓને જોડીને વકતૃત્વ, નિબંધ, રંગોળી અને ચિત્ર સ્પર્ધા જેવી વિવિધ પ્રવૃત્તિઓ યોજાશે. ઉપરાંત પ્રભાત ફેરી, રેલી અને મતદાન સંકલ્પ જેવા કાર્યક્રમો દ્વારા લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવશે.

જિલ્લાના ગામડાઓમાં મેળા, જાહેર કાર્યક્રમો અને તહેવારો દરમિયાન પણ મતદાન જાગૃતિ અંગે ખાસ કાર્યક્રમો યોજાશે. દૂધ મંડળીઓ સાથે સંકલન કરીને દૂધની રસીદ અને થેલીઓ પર મતદાન અંગેના સંદેશાઓ છપાવવામાં આવશે. બજાર સમિતિઓ, મંડળો તથા જાહેર સ્થળોએ બેનર્સ અને પોસ્ટર્સ દ્વારા પ્રચાર કરવામાં આવશે. યુવા, મહિલા અને વયસ્ક મતદારોને ધ્યાનમાં રાખીને સિગ્નેચર ડ્રાઈવ, સોશિયલ મીડિયા અભિયાન અને મોબાઇલ સંદેશાઓ દ્વારા જાગૃતિ વધારાશે. આશાવર્કર, આંગણવાડી કાર્યકર, સખી મંડળ અને અન્ય સંસ્થાઓના સહયોગથી ઘરઘર સુધી સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે.

સરકારી વેબસાઈટ્સ, ૭/૧૨ અને ૮-અ નકલ તેમજ જનસેવા કેન્દ્રની રસીદ પર મતદાન જાગૃતિના સંદેશા મુકવામાં આવશે. બસ સ્ટેન્ડ, બસો, સરકારી અને ખાનગી વાહનો પર પોસ્ટર્સ તથા સ્ટીકર્સ લગાવી પ્રચાર કરવામાં આવશે. ઉપરાંત સિનેમાગૃહો, કેબલ નેટવર્ક અને સ્થાનિક સમાચાર માધ્યમો દ્વારા પણ જાગૃતિ ફેલાવવામાં આવશે.

SVEEP મેનેજમેન્ટ દ્વારા તમામ સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. જિલ્લા અને તાલુકાના નાગરિકોને આ કાર્યક્રમોમાં સક્રિય ભાગ લેવા અપીલ કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે, દરેક મતદાતા જાગૃત બનશે તો લોકશાહી વધુ મજબૂત બનશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande