પાટણ-ડીસા હાઇવે પર અકસ્માતમાં યુવકનું મોત
પાટણ, 09 એપ્રિલ (હિ.સ.) પાટણ-ડીસા હાઇવે પર જાળેશ્વર પાલડી નજીક મોડી રાત્રે થયેલા અકસ્માતમાં બાઇક ચાલક યુવકનું મોત થયું હતું. પાટણ તરફથી ડીસા જઈ રહેલા ટર્બો ટ્રક સાથે જોડાયેલા કન્સ્ટ્રક્શન મશીન સાથે વામૈયા તરફથી આવી રહેલા બાઇક ચાલકની ટક્કર થતા ગંભ
પાટણ-ડીસા હાઇવે પર અકસ્માતમાં યુવકનું મોત


પાટણ, 09 એપ્રિલ (હિ.સ.) પાટણ-ડીસા હાઇવે પર જાળેશ્વર પાલડી નજીક મોડી રાત્રે થયેલા અકસ્માતમાં બાઇક ચાલક યુવકનું મોત થયું હતું. પાટણ તરફથી ડીસા જઈ રહેલા ટર્બો ટ્રક સાથે જોડાયેલા કન્સ્ટ્રક્શન મશીન સાથે વામૈયા તરફથી આવી રહેલા બાઇક ચાલકની ટક્કર થતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત યુવકને 108 એમ્બ્યુલન્સ દ્વારા પાટણ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. મૃતકની ઓળખ સરસ્વતી તાલુકાના વામૈયા ગામના આશરે 21 વર્ષીય ભમરસિંહ ભીખાસિંહ ઠાકોર તરીકે થઈ છે.

પરિવારજનોના જણાવ્યા મુજબ ભમરસિંહની આઠ મહિના પહેલા સગાઈ થઈ હતી અને નજીકના ભવિષ્યમાં તેના લગ્ન થવાના હતા. આ મામલે મૃતકના કાકાએ સરસ્વતી પોલીસ મથકે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande