
ભાવનગર, 09 એપ્રિલ (હિ.સ.) : શહેરના ડેરી રોડ તિલકનગર વિસ્તારમાં રહેતા મેહુલભાઈ ઉર્ફે લોચો ઉમેશભાઈ માંડલીયા (ઉંમર 34) નામના યુવકે ગળાફાંસો ખાઈ લેતા તેમના અચાનક અવસાનથી વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો અને પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ મેહુલભાઈ માંડલીયા કેટરિંગનો ધંધો કરતા હતા અને શહેરના એરપોર્ટ રોડ સ્થિત અજયવાડી નજીક તેમનું ગોડાઉન આવેલું હતું. ઘટનાના દિવસે તેઓ ગોડાઉન પર ગયા હતા, જ્યાં કોઈ કારણોસર તેમણે ગળાફાંસો ખાઈ લીધો હતો. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને તેમને નીચે ઉતારી સારવાર માટે તરત જ સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે તબીબોએ તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને પરિવારજનોના નિવેદનના આધારે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ વિવિધ દિશામાં તપાસ કરી રહી છે કે કોઈ વ્યક્તિગત, આર્થિક કે અન્ય કોઈ કારણ આ પગલાં પાછળ જવાબદાર છે કે કેમ.આ દુખદ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે અને લોકોમાં ચિંતાનો વિષય બન્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT