
અમરેલી, 09 એપ્રિલ (હિ.સ.) : અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના મોરવાડા નજીક બાઇક અને પેસેન્જર ઓટો રિક્ષા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા ચોંકાવનારી ઘટના સામે આવી છે.
માહિતી મુજબ દેશી દારૂ ભરેલી પેસેન્જર રિક્ષા બાઇક સાથે અથડાતા અકસ્માત થયો હતો. અથડામણ એટલી જોરદાર હતી કે રિક્ષામાં ભરેલા દેશી દારૂના કોથળા બહાર પડી ગયા અને રોડ પર વિખરાઈ ગયા હતા. આ ઘટનાને કારણે આસપાસના લોકોના ટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. રોડ પર પડેલા દારૂના પોટલાઓને લઈને લોકોમાં કુતૂહલ પણ જોવા મળ્યું હતું. ઘટનાની જાણ થતાં જ વડીયા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.
અકસ્મતમાં ઇજાગ્રસ્ત બનેલા બાઇક ચાલકને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા રિક્ષા ચાલકને કસ્ટડીમાં લઈ વડીયા પોલીસ મથકે લઈ જવામાં આવ્યો છે. આ અકસ્માત પછી ગેરકાયદેસર દેશી દારૂના વેપારનો મુદ્દો સામે આવતા પોલીસ વધુ તપાસમાં લાગી ગઈ છે. સમગ્ર ઘટના વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai