
મહેસાણા, 09 એપ્રિલ (હિ.સ.) :
મહેસાણા જિલ્લા પંચાયતની આઇસીડીએસ શાખા દ્વારા ‘પોષણ સંગમ’ કામગીરીને વધુ સુદ્રઢ બનાવવા માટે એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો, જેમાં આરોગ્ય અને પોષણ સાથે સંકળાયેલા અધિકારીઓ તથા કર્મચારીઓ હાજર રહ્યા હતા. વર્કશોપ દરમિયાન બાળકો, ગર્ભવતી મહિલાઓ અને ધાત્રી માતાઓના પોષણ સ્તર સુધારવા માટે વિવિધ યોજનાઓ અને કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આઇસીડીએસ હેઠળ ચાલતી સેવાઓને વધુ અસરકારક બનાવવા માટે નવી વ્યૂહરચનાઓ રજૂ કરવામાં આવી હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે કુપોષણ સામે લડવા માટે સંકલિત પ્રયાસો જરૂરી છે અને વિવિધ વિભાગો વચ્ચે સંકલન વધારવું અગત્યનું છે. આ સાથે પોષણ અંગે જનજાગૃતિ ફેલાવવા અને ગ્રામ્ય સ્તરે કાર્યરત આંગણવાડી કર્મચારીઓને વધુ સક્ષમ બનાવવા પર ભાર મૂકાયો હતો. વર્કશોપમાં ભાગ લેનાર તમામ કર્મચારીઓને તેમના ક્ષેત્રમાં વધુ અસરકારક કામગીરી કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ આયોજનથી જિલ્લામાં પોષણ સેવાઓ વધુ મજબૂત બનશે અને કુપોષણ ઘટાડવામાં મદદ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR