ગીર પૂર્વમાં કાર્યક્રમ પર વનવિભાગ સખ્ત, નોટીસ બાદ આયોજન અટકાવાયું
અમરેલી,01 મે (હિ.સ.) ધારી ગીર પૂર્વના ગીર ફોરેસ્ટ વિસ્તારમાં આવેલ જસાધાર રેન્જના ખજૂરી નેસ ખાતે યોજાનાર સાંસ્કૃતિક કાર્યક્રમને લઈને વનવિભાગ એક્શનમાં આવ્યું છે. જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા 3 મેના રોજ “ગીર ગાય અને પશુપાલકો” વિષયક કાર્યક્રમનું આયોજન
ગીર પૂર્વમાં કાર્યક્રમ પર વનવિભાગ સખ્ત, નોટીસ બાદ આયોજન અટકાવાયું


અમરેલી,01 મે (હિ.સ.) ધારી ગીર પૂર્વના ગીર ફોરેસ્ટ વિસ્તારમાં આવેલ જસાધાર રેન્જના ખજૂરી નેસ ખાતે યોજાનાર સાંસ્કૃતિક કાર્યક્રમને લઈને વનવિભાગ એક્શનમાં આવ્યું છે. જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા 3 મેના રોજ “ગીર ગાય અને પશુપાલકો” વિષયક કાર્યક્રમનું આયોજન જાહેર કરવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયામાં આ કાર્યક્રમની જાહેરાત થતા જ વનતંત્રએ તાત્કાલિક પગલાં લઈ નોટીસ ફટકારી.

વનવિભાગે પોતાના નોટીસમાં સ્પષ્ટ પૂછપરછ કરી છે કે પ્રતિબંધિત વિસ્તારમાં આવા કાર્યક્રમ માટે જરૂરી પરવાનગી કોની પાસેથી લેવામાં આવી છે. ગીર વિસ્તાર સિંહોના સંવેદનશીલ આવાસ તરીકે ઓળખાય છે, જ્યાં માનવીય પ્રવૃત્તિઓ વાઇલ્ડ લાઈફ માટે ખલેલરૂપ બની શકે છે.

ધારી ગીર પૂર્વના ડીસીએફ વિકાસ સહાય એ જણાવ્યું કે વનવિભાગ સિંહોના નિવાસ વિસ્તારમાં કોઈપણ પ્રકારની અવરજવર અથવા કાર્યક્રમોને લઈને ખૂબ જ ગંભીર છે. વાઇલ્ડ લાઈફને કોઈ પણ પ્રકારની અસરો ન પડે તે માટે વનવિભાગ સંપૂર્ણ રીતે કટિબદ્ધ છે.

વનવિભાગની કાર્યવાહી બાદ આયોજકોમાં ચકચાર મચી છે અને આગળના નિર્ણય અંગે ચર્ચા ચાલી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande