
અમરેલી, 01 મે (હિ.સ.) : કુંકાવાવ-અમરેલી સ્ટેટ હાઈવે પર આજે હૃદય દ્રવી જાય તેવી અકસ્માતની ઘટના બની છે. અમરાપુર ગામની નજીક પૂરપાટ ઝડપે આવી રહેલી એક ફોર વ્હીલર કારએ બાઈકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે બાઈકસવાર યોગેશભાઈ અને તેમની પાછળ બેઠેલી મહિલા બંને રોડ પર પટકાયા હતા.
આ અકસ્માતમાં યોગેશભાઈને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે અને તેઓને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાના પગલે રસ્તા પર થોડીવાર માટે અરાજકતા સર્જાઈ હતી અને લોકોના ટોળા એકત્ર થયા હતા. સ્થાનિક લોકો દ્વારા તરત જ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી અને ઈજાગ્રસ્તને હોસ્પિટલ પહોંચાડવામાં મદદરૂપ બન્યા હતા.
સૌથી આશ્ચર્યજનક વાત એ રહી કે પાછળ બેઠેલી મહિલા આ ગંભીર અકસ્માતમાં ચમત્કારિક રીતે સુરક્ષિત રહી હતી અને તેમને સામાન્ય ઈજાઓ સાથે બચાવ મળી ગયો હતો. પોલીસ દ્વારા ઘટનાની નોંધ લઈ તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટનાએ ફરી એકવાર ઝડપ અને બેદરકારીપૂર્વકના વાહનચાલનની ગંભીરતા સામે ચેતવણી આપી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai