ચાલતી કારને નિશાન બનાવી ‘લિફ્ટ’ના બહાને લૂંટઃ આદિપુરમાં હનીટ્રેપ સ્ટાઈલ ગુનાનો પર્દાફાશ
કચ્છ, 01 મે (હિ.સ.) : આદિપુર-ગાંધીધામ વિસ્તારમાં દિવસદાઢે ફિલ્મી અંદાજમાં અંજામ અપાયેલ એક ચોંકાવનારી લૂંટની ઘટનાનો આદિપુર પોલીસે પર્દાફાશ કર્યો છે. એક વેપારીને રસ્તામાં મદદ માંગતી સ્ત્રી દ્વારા વિશ્વાસમાં લઈ પછી તેના સાગરિત સાથે મળીને સોનાની ચેઈન,
આદિપુર લૂંટ કેસનો આરોપી


કચ્છ, 01 મે (હિ.સ.) : આદિપુર-ગાંધીધામ વિસ્તારમાં દિવસદાઢે ફિલ્મી અંદાજમાં અંજામ અપાયેલ એક ચોંકાવનારી લૂંટની ઘટનાનો આદિપુર પોલીસે પર્દાફાશ કર્યો છે. એક વેપારીને રસ્તામાં મદદ માંગતી સ્ત્રી દ્વારા વિશ્વાસમાં લઈ પછી તેના સાગરિત સાથે મળીને સોનાની ચેઈન, રોકડ રકમ અને મોબાઈલ લૂંટવાની ઘટના સામે આવતા શહેરમાં ચકચાર મચી ગઈ છે. પોલીસએ દસ દિવસ જૂના આ ગુનામાં મુખ્ય આરોપી કાસમ ઉર્ફે કાશુડો ઇસ્માઇલ ચાવડાને ઝડપી પાડતાં અનેક ચોંકાવનારી વિગતો બહાર આવી છે.

મળતી માહિતી મુજબ, વરસામેડી રોડ વિસ્તારમાં રહેતા અને ગાંધીધામમાં પ્લાયવૂડના વેપાર સાથે સંકળાયેલા ૩૯ વર્ષીય શનિ ગુપ્તા ગત ૧૯ એપ્રિલના રોજ બપોરે પોતાના હ્યુન્ડાઈ કારમાં ગાંધીધામથી આદિપુર તરફ પરત ફરી રહ્યા હતા. બપોરના અંદાજે સવા બે વાગ્યાના સમયે રામબાગ રોડ પર નર્મદા ભવન નજીક અચાનક એક અજાણી સ્ત્રી તેમની કારની સામે આવી ઊભી રહી હતી. અચાનક બ્રેક મારવી પડતાં વેપારીએ ગાડી રોકી કારણ પૂછ્યું તો તે સ્ત્રી રડવા લાગી અને પોતાને પરિવારજનોએ ઘરેથી કાઢી મૂક્યાનું કહી દયા પેદા કરી.

સ્ત્રીએ વિનંતી કરી કે તેને જુમા પીર ફાટક પાસે પહોંચાડી દેવામાં આવે, કારણ કે તેની પાસે ભાડા માટે પૈસા નથી અને તે ખૂબ મુશ્કેલીમાં છે. માનવતા દાખવી વેપારીએ તેને કારમાં બેસાડી લિફ્ટ આપી દીધી. જોકે આ જ દયાભાવ તેના માટે ભયંકર સાબિત થવાનો હતો.

કારમાં બેઠા બાદ સ્ત્રીએ કોઈ અજાણ્યા વ્યક્તિને ફોન કર્યો હતો. થોડા સમય પછી જુમા પીર ફાટક પાસેથી આગળ એક ખુલ્લા મેદાન પાસે ગાડી ઊભી રાખવા કહ્યું. વેપારીએ ગાડી રોકતા જ એક બાઈક સવાર યુવક ત્યાં આવી પહોંચ્યો. સ્ત્રી ગાડીમાંથી ઉતરવાની બદલે કારનો પાછળનો દરવાજો ખોલી તે યુવકને સીધો અંદર બેસાડી દીધો. ઘટના શું બની રહી છે તે સમજાય એ પહેલાં જ યુવકે છરી કાઢી વેપારીના ગળા પાસે ધરી દીધી.

છરીના ભય વચ્ચે યુવકે વેપારીના ગળામાંથી અંદાજે રૂપિયા ૨.૩૦ લાખની સોનાની ચેઈન ઝૂંટવી લીધી અને કારમાં રહેલો મોબાઈલ ફોન પણ કબજે કરી લીધો. વેપારી ગભરાઈ ગયા છતાં હિંમત એકઠી કરીને ગાડી ઝડપથી આગળ દોડાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ પરિસ્થિતિ કાબૂ બહાર જતા તેઓ કારનો દરવાજો ખોલીને બહાર કૂદી પડ્યા અને બૂમાબૂમ શરૂ કરી દીધી. નજીકના ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમતા યુવકો અવાજ સાંભળી દોડી આવતા આરોપીઓ ક્ષણિક ગભરાઈ ગયા.

ટોળું ભેગું થતું જોઈ કારમાં બેઠેલા પુરુષ અને સ્ત્રી બંને બહાર નીકળી ગયા. જતા જતા આરોપીએ વેપારીનો મોબાઈલ તેમની તરફ ફેંકી દીધો અને ધમકીભર્યા સ્વરે કહ્યું કે “કીડાણામાં પૂછજે કાસમ ચાવડા કોણ છે, પોલીસમાં ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશ.” આ ધમકીથી વેપારી ભયભીત થઈ ગયા. આરોપીઓ સ્થળ પરથી ફરાર થયા બાદ કાર તપાસતાં અંદર રાખેલા રૂપિયા ૧૫ હજાર રોકડ પણ ગાયબ હોવાનું બહાર આવ્યું.

લૂંટનો ભોગ બનેલા વેપારી શરૂઆતમાં આરોપીના નામ અને તેની દાદાગીરીથી એટલા ગભરાઈ ગયા કે તરત પોલીસ સુધી પહોંચી શક્યા નહોતા. આખરે દસ દિવસ બાદ હિંમત કરીને તેમણે આદિપુર પોલીસ સ્ટેશનમાં અંદાજે રૂપિયા ૨.૪૫ લાખની લૂંટ અંગે સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મળતા જ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી અને ટેકનિકલ સર્વેલન્સ, બાતમીદારો તથા સ્થળચકાસણીના આધારે તપાસનો દોર તેજ કર્યો.

આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.સી. વાળા અને પીએસઆઈ આર.એમ. ડુવાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફે સુત્રો સક્રિય કરી મુખ્ય આરોપી કાસમ ઉર્ફે કાશુડો ઇસ્માઇલ ચાવડાને ઝડપી પાડ્યો હતો. આરોપી ગાંધીધામ તાલુકાના કીડાણા ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. તેની પાસેથી લૂંટાયેલ સોનાની ચેઈનનો ટુકડો તથા ગુનામાં વપરાયેલ મોટરસાયકલ મળી કુલ રૂપિયા ૯૫,૫૦૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

પોલીસ તપાસમાં વધુ એક ગંભીર પાસું પણ બહાર આવ્યું છે કે કાસમ ચાવડા કોઈ સામાન્ય ગુનેગાર નથી. તેના વિરુદ્ધ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચોરી, લૂંટ, ધમકી, અપહરણ, હુમલો અને સંગઠિત ગુનાહિત પ્રવૃત્તિઓ સહિતના અનેક ગુના અગાઉથી નોંધાયેલા છે. એટલું જ નહીં, તેની સામે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઇમ કાયદા હેઠળ પણ કાર્યવાહી થયેલી છે. એટલે કે આદિપુરની આ ઘટના કોઈ એકલદોકલ લૂંટ નહીં પરંતુ પૂર્વયોજિત હનીટ્રેપ પ્રકારની ગુનાહિત મોડસ ઓપરેન્ડીનો ભાગ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે અને ઘટનામાં સામેલ રહેલી અજાણી સ્ત્રીની શોધખોળ હાથ ધરી છે. પોલીસ માને છે કે આ જોડી દ્વારા અગાઉ પણ સમાન રીતે અન્ય લોકોને નિશાન બનાવાયા હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી. શહેરમાં દિવસેને દિવસે વધતી આવી ચાલાકીભરી લૂંટની ઘટનાઓને પગલે પોલીસએ લોકોને ખાસ ચેતવણી આપી છે કે રસ્તામાં અજાણ્યા લોકો પ્રત્યે દયા દાખવતાં પહેલાં સાવચેતી રાખવી હવે અત્યંત જરૂરી બની ગઈ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar


 rajesh pande