
કચ્છ, 01 મે (હિ.સ.) : નગરપાલિકાની ચૂંટણીમાં બહુમતી સાથે સત્તા કબજે કરનાર ભારતીય જનતા પાર્ટીમાં હવે હોદ્દા વહેંચણીને લઈને આંતરિક રાજકીય હલચલ તેજ બની છે. પ્રમુખપદ બાદ હવે ઉપપ્રમુખ તેમજ વિવિધ સમિતિઓના ચેરમેનપદ માટે અનેક કાઉન્સિલરોના નામો રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યા છે. પક્ષના સંગઠન અને સ્થાનિક નેતૃત્વ વચ્ચે સતત મથામણ ચાલી રહી હોવાનું જાણવા મળે છે.
પાલિકાના સત્તાકીય હોદ્દાઓ માટે મંયક રૂપારેલ, પ્રકાશ મહેશ્વરી, ગત ટર્મમાં પ્રમુખપદના મજબૂત દાવેદાર રહેલા મનિષાબેન સોલંકી, બે ટર્મથી નગરસેવક તરીકે સેવારત બિંદીયાબેન ઠક્કર, સાવિત્રીબેન જાટ, કિષ્નાબા જાડેજા અને બિનાબા ઝાલા સહિતના નામો હાલ સૌથી આગળ માનવામાં આવી રહ્યા છે. રાજકીય સૂત્રોના જણાવ્યા મુજબ આ પૈકી કેટલાકને ઉપપ્રમુખપદ તો કેટલાકને સ્ટેન્ડિંગ, બાંધકામ, આરોગ્ય, પાણી પુરવઠા તથા અન્ય મહત્વપૂર્ણ સમિતિઓના ચેરમેનપદની જવાબદારી સોંપાઈ શકે છે.
માત્ર જુના અને અનુભવી ચહેરાઓ જ નહીં પરંતુ તાજેતરમાં ચૂંટાઈ આવેલા કેટલાક નવા કાઉન્સિલરોને પણ સંગઠન તક આપે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. ભાજપ દ્વારા યુવા અને અનુભવી નેતૃત્વ વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કરવામાં આવશે તેવી અંદરની ચર્ચા છે. શહેરના વિકાસકાર્યોને ગતિ આપવી, પાલિકામાં સુચારૂ શાસન જાળવવું અને વિપક્ષના રાજકીય હુમલાઓનો સામનો કરવા સક્ષમ ટીમ ઉભી કરવી — આ તમામ મુદ્દાઓને ધ્યાને રાખીને હોદ્દાની વહેંચણી થવાની સંભાવના છે.
સૂત્રો જણાવે છે કે ભાજપના જિલ્લા તેમજ પ્રદેશ સ્તરના ઉચ્ચ હોદ્દેદારો પણ આ પ્રક્રિયા પર સીધી નજર રાખી રહ્યા છે. સ્થાનિક ગૃપબાજી, સામાજિક સમીકરણો, પ્રાદેશિક પ્રતિનિધિત્વ અને આગામી વિધાનસભાની ચૂંટણીની રાજકીય તૈયારીને ધ્યાનમાં રાખીને દરેક નામનું મૂલ્યાંકન થઈ રહ્યું છે. પરિણામે આ વખતની નિમણૂકો સામાન્ય વહીવટી પ્રક્રિયા કરતાં વધુ રાજકીય મહત્વ ધરાવે છે.
ટૂંક સમયમાં પાર્ટી દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે, જેમાં ચૂંટાયેલા કાઉન્સિલરોના અભિપ્રાયો અને સંગઠનના સૂચનો લેવામાં આવશે. ત્યારબાદ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં અંતિમ ચર્ચા કરી હોદ્દેદારોના નામો જાહેર કરાશે. ત્યાં સુધી નગરપાલિકાના કાર્યકરો, સમર્થકો અને સામાન્ય નાગરિકોમાં “કોણે મળશે સત્તાની ખુરશી?” તે ચર્ચા જોર પકડી રહી છે.
હાલ શહેરના રાજકીય માહોલમાં હોદ્દા મેળવવા માટેની શાંત પરંતુ તીવ્ર દોડ શરૂ થઈ ગઈ છે અને આગામી દિવસોમાં જાહેર થનારા નામો ભાજપના સ્થાનિક સત્તા સમીકરણોનો ચિત્ર સ્પષ્ટ કરશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar