કચ્છ કોંગ્રેસમાં કડક કાર્યવાહી: પક્ષવિરોધી હરકતોના આરોપે 15 કાર્યકરો છ વર્ષ માટે બહાર, નિર્ણય બાદ જ ઉઠ્યા સવાલો
કચ્છ, 01 મે (હિ.સ.) કચ્છ જિલ્લા કોંગ્રેસમાં સ્થાનિક સ્વરાજ્યની તાજેતરની ચૂંટણી પછી આંતરિક મતભેદો હવે ખુલ્લેઆમ સપાટી પર આવી રહ્યા છે. પક્ષને ચૂંટણીમાં થયેલા નુકસાન માટે જવાબદારી નક્કી કરવાની પ્રક્રિયા અંતર્ગત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી. કે. હુંબલે સ
કોંગ્રેસ પ્રમુખ દ્વારા અપાયેલ સપસ્પેન્ડ પત્ર


કચ્છ, 01 મે (હિ.સ.) કચ્છ જિલ્લા કોંગ્રેસમાં સ્થાનિક સ્વરાજ્યની તાજેતરની ચૂંટણી પછી આંતરિક મતભેદો હવે ખુલ્લેઆમ સપાટી પર આવી રહ્યા છે. પક્ષને ચૂંટણીમાં થયેલા નુકસાન માટે જવાબદારી નક્કી કરવાની પ્રક્રિયા અંતર્ગત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી. કે. હુંબલે સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો સહિત કુલ 15 લોકોને પક્ષની પ્રાથમિક સભ્યતામાંથી આગામી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણય સાથે કોંગ્રેસે પક્ષશિસ્તનો કડક સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ કાર્યવાહી જાહેર થતાં જ તેની યોગ્યતા અને સમયસૂચકતા અંગે અનેક સવાલો ઊભા થયા છે.

જાહેર કરાયેલી યાદી અનુસાર જિલ્લા કોંગ્રેસ કિસાન મોરચાના પ્રમુખ યોગેશ પોકાર, કિરણ પોકાર, દશરથસિંહ ખગોરત, અબડાસા તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ઇકબાલ માંધરા, આમદહુસેન સંઘાર, રમજાન નોડે, ઇશા આમદ કેર, નવીન અબચુંગ, હાજી અબ્દુલ હાજી હુસેન સંઘાર, અસલમ લુહાર, ઓસમાણ નોતિયાર, જુસબછા સૈયદ, જુમાબેન મહેશ્વરી, શોકત હુસેન સુમરા અને આદમ મુસા લોધરાના નામો સામેલ છે. જિલ્લા કોંગ્રેસના સત્તાવાર દાવા મુજબ આ તમામે પક્ષમાં રહીને પક્ષવિરોધી પ્રવૃત્તિઓ કરી, સત્તાવાર ઉમેદવારોને નુકસાન પહોંચાડ્યું અને સંગઠનના હિત સામે કામ કર્યું હતું. આથી તેમની સામે છ વર્ષ માટે સસ્પેન્શનની કાર્યવાહી અમલમાં મુકાઈ છે.

પરંતુ કોંગ્રેસના આ નિર્ણયને તરત જ અંદરથી પડકાર મળ્યો છે. સસ્પેન્ડ થયેલા અબડાસાના પૂર્વ તાલુકા પ્રમુખ ઇકબાલ માંધરાએ સોશિયલ મીડિયામાં વીડિયો જાહેર કરીને દાવો કર્યો કે તેઓ છેલ્લા ત્રણ વર્ષથી કોંગ્રેસ સાથે સક્રિય રીતે જોડાયેલા જ નથી અને તેમણે અગાઉથી રાજીનામું આપી દીધું છે. તેમનું કહેવું છે કે, જે વ્યક્તિ પક્ષમાં જ નથી તેની સામે પક્ષવિરોધી પ્રવૃત્તિનો આરોપ મૂકવો હાસ્યાસ્પદ છે. તેઓએ આક્ષેપ કર્યો કે જિલ્લા સંગઠન માત્ર દેખાવા માટે કાર્યવાહી કરી રહ્યું છે, જ્યારે વાસ્તવિક પક્ષહિતને નુકસાન કરનારાઓ સામે આંખ આડા કાન કરવામાં આવ્યા છે.

ઇકબાલ માંધરાએ વીડિયોમાં વધુ ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન જિલ્લા સ્તરના કેટલાક નેતાઓ ભાજપ સાથે ગોઠવણમાં હતા અને આ અંગે પક્ષના ઉચ્ચ મંચ સુધી પુરાવા સાથે રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં તે મુદ્દે કોઈ કાર્યવાહી ન થતાં હવે નિર્દોષ અથવા પહેલેથી પક્ષ છોડીને ગયેલા લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ નિવેદન બાદ કોંગ્રેસની આંતરિક ગોઠવણ, નેતૃત્વની પારદર્શિતા અને શિસ્ત કાર્યવાહી પાછળના વાસ્તવિક કારણો અંગે ચર્ચા વધુ ગરમાઈ છે.

રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે કે આ કાર્યવાહી પક્ષશિસ્ત જાળવવા માટે છે કે પછી ચૂંટણીમાં થયેલા પરાજય બાદ જવાબદારી ટાળવા માટેનો પ્રયાસ છે. કારણ કે, અગાઉ પણ આવી જ પરિસ્થિતિ સર્જાઈ હતી જ્યારે માનસી શાહે પક્ષમાંથી રાજીનામું આપ્યા બાદ બીજા જ દિવસે તેમને સસ્પેન્ડ કરાયા હોવાનું જાહેર થયું હતું. તે પ્રસંગે પણ જિલ્લા સંગઠનની સભ્ય નોંધણી અને કાર્યકરોની વાસ્તવિક સ્થિતિ અંગે પ્રશ્નો ઊભા થયા હતા. હવે ફરી એકવાર સમાન પ્રકારની ઘટના સામે આવતા કોંગ્રેસના સ્થાનિક નેતૃત્વ પર સંગઠનની આંતરિક માહિતી અંગે અજાણ હોવાનો આરોપ લાગી રહ્યો છે.

કચ્છ કોંગ્રેસમાં 15 કાર્યકરો સામે થયેલી આ કાર્યવાહી હવે માત્ર સસ્પેન્શન સુધી સીમિત રહી નથી; તેણે જિલ્લા નેતૃત્વની કાર્યપદ્ધતિ, સભ્યપદની ચોકસાઈ, ચૂંટણીકાળની ગોઠવણો અને આંતરિક સંકલન જેવા મુદ્દાઓને ફરી ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધા છે. આગામી દિવસોમાં સસ્પેન્ડ થયેલા અન્ય કાર્યકરો પણ ખુલાસા સાથે સામે આવે તો કોંગ્રેસની અંદરની ખેંચતાણ વધુ સ્પષ્ટ થવાની સંભાવના છે. હાલ માટે એક વાત નિશ્ચિત છે કે, કચ્છ કોંગ્રેસમાં શિસ્તના નામે લેવાયેલો આ નિર્ણય પક્ષ માટે નવી રાજકીય માથાકૂટનું કારણ બની ગયો છે.

હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar


 rajesh pande