
કચ્છ, 01 મે (હિ.સ.) : કચ્છના પશ્ચિમ દરિયાઈ સરહદી વિસ્તારમાં માદક પદાર્થના બિનવારસુ પેકેટો મળવાની ચોંકાવનારી ઘટનાઓ સતત સામે આવી રહી છે. થોડા દિવસોથી દરિયાના મોજાં સાથે કિનારે તણાઈને આવી રહેલા શંકાસ્પદ પેકેટોને કારણે સુરક્ષા એજન્સીઓમાં ભારે ચિંતા વ્યાપી છે. બીએસએફ દ્વારા ક્રિક વિસ્તારમાંથી ત્રણ દિવસ દરમિયાન 18 જેટલા પેકેટો કબ્જે કર્યા બાદ હવે જખૌ મરીન પોલીસને સતત બીજા દિવસે પણ વધુ 10 પેકેટ મળી આવતા ડ્રગ્સનો આ સિલસિલો અટકવાનું નામ લેતો નથી.
મળતી માહિતી મુજબ જખૌ મરીન પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ વી.એમ. ઝાલાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ દ્વારા દરિયાકાંઠાના સંવેદનશીલ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. આ જ કામગીરી દરમિયાન ગુરુવારે બપોરના એકથી બે વાગ્યાના સમયગાળામાં શિયાળ બારા વિસ્તારના કિનારેથી બિનવારસુ હાલતમાં પડેલા 10 શંકાસ્પદ પેકેટો મળી આવ્યા હતા. પોલીસ ટીમે તાત્કાલિક તમામ પેકેટોને કબ્જે લઈ સીલ કરી વધુ તપાસ માટે કાર્યવાહી શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલાં બુધવારે જ જખૌ મરીન પોલીસને ખીદરતપીર ટાપુ નજીકના દરિયા કિનારેથી આવા જ 10 પેકેટો મળી આવ્યા હતા. એટલે સતત બે દિવસમાં કુલ 20 પેકેટ મળતા સુરક્ષા તંત્ર માટે આ ઘટના ગંભીર બની છે. બીજી તરફ થોડા દિવસ અગાઉ બોર્ડર સિક્યુરિટી ફોર્સે પણ કચ્છના ક્રિક વિસ્તારમાંથી 18 પેકેટ કબ્જે કર્યા હતા. એક પછી એક અલગ અલગ દરિયાઈ પટ્ટીમાંથી મળી રહેલા પેકેટો એ સંકેત આપે છે કે દરિયાઈ માર્ગે મોટા પાયે માદક પદાર્થોની હેરાફેરીનો પ્રયાસ થઈ રહ્યો હોઈ શકે.
દરિયાઈ સરહદ પર બીએસએફ, કોસ્ટલ પોલીસ, મરીન પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ પહેલેથી જ ચાંપતી નજર રાખી રહી છે, છતાં સતત મળી રહેલા આ બિનવારસુ પેકેટો અનેક સવાલો ઉભા કરી રહ્યા છે. માનવામાં આવે છે કે આંતરરાષ્ટ્રીય જળસીમા તરફથી દરિયામાં ફેંકાયેલા આ પેકેટો મોજાંના કારણે કિનારે આવી પહોંચતા હોઈ શકે છે. જેના કારણે હવે દરિયાકાંઠાના વિસ્તારોમાં વધુ કડક ચેકિંગ, પેટ્રોલિંગ અને કોમ્બીંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર હજુ પણ દરિયામાંથી આવા વધુ પેકેટો કિનારે તણાઈને આવવાની શક્યતા નકારી શકાય તેમ નથી. તેથી શિયાળ બારા, ખીદરતપીર ટાપુ, જખૌ અને આસપાસના અન્ય દરિયાકિનારાના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન સતત ચાલુ રાખવામાં આવ્યું છે. મળેલા પેકેટોમાં રહેલા પદાર્થની ચોક્કસ જાત, વજન અને આંતરરાષ્ટ્રીય કડી અંગે તપાસ માટે નમૂનાઓ લેબોરેટરીમાં મોકલવાની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે.
કચ્છના દરિયાઈ સરહદી પટ્ટામાં ફરીવાર મોટી માત્રામાં શંકાસ્પદ માદક પદાર્થના પેકેટો મળતા સુરક્ષા તંત્ર માટે આ એક ગંભીર એલર્ટ સાબિત થયું છે. આગામી દિવસોમાં વધુ ખુલાસા થવાની સંભાવના વચ્ચે સમગ્ર મામલો હવે હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar