
અમરેલી, 01 મે (હિ.સ.) : અમરેલી જિલ્લાના ખાંભા પંથકના એક ગામમાં મધરાત્રે સિંહના પ્રવેશની ચોંકાવનારી ઘટના સામે આવી છે. માહિતી મુજબ, રાત્રિના સમયે સિંહ સીધો રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવ્યો હતો અને એક ઘરની નજીક બાંધી રાખેલી ગાયનું મારણ કર્યું હતું. ઘટનાને કારણે સમગ્ર ગામમાં ભય અને ગભરાટનો માહોલ સર્જાયો છે.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, સિંહની હાજરી અંગે પહેલેથી જ કેટલાક દિવસોથી સંકેતો મળતા હતા, પરંતુ મધરાત્રે સીધા વસાહતમાં ઘૂસતા લોકોમાં ભારે દહેશત ફેલાઈ છે. ગાયના મારણ બાદ સિંહ નજીકના જંગલ વિસ્તારમાં પાછો ફરી ગયો હોવાનું માનવામાં આવે છે.
આ બનાવની જાણ થતાં જ વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. સાથે જ ગામલોકોને સાવચેત રહેવા અને રાત્રિના સમયે બહાર ન નીકળવા માટે સૂચના આપવામાં આવી છે.
ગ્રામજનો દ્વારા વન વિભાગ પાસે તાત્કાલિક પગલાં લેવા અને સિંહને સલામત રીતે જંગલમાં ખદેડવા માંગ કરવામાં આવી છે. વધતા સિંહ-માનવ સંસર્ગના બનાવોને ધ્યાનમાં રાખીને વિસ્તારમાં સુરક્ષાના મજબૂત પગલાં લેવાની જરૂરિયાત ફરી એકવાર સામે આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai