
પાટણ, 01 મે (હિ.સ.) : પાટણના પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રમાં ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે રાજ્યના પ્રથમ આધુનિક ફ્લાઇટ સિમ્યુલેટરનું લોકાર્પણ કલેક્ટર તુષાર ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું. અંદાજે 2 કરોડના ખર્ચે બનેલું આ સિમ્યુલેટર 100 કરોડના સાયન્સ સેન્ટરમાં નવું આકર્ષણ બની રહ્યું છે.
આ સિમ્યુલેટર 3D ટેકનોલોજી, હાઇડ્રોલિક અને ન્યુમેટિક સિસ્ટમ પર આધારિત છે, જે મુલાકાતીઓને હેલિકોપ્ટર કે વિમાનમાં બેઠા હોવાનો વાસ્તવિક અનુભવ કરાવે છે. ખાસ ઇફેક્ટ્સ જેમ કે ફોગ, લાઇટનિંગ અને ઠંડર દ્વારા અનુભવ વધુ જીવંત બને છે.
મુલાકાતીઓને 3D ચશ્માં પહેરાવી મૂવેબલ ખુરશીઓ પર બેસાડી 5 થી 6 મિનિટનો શો દર્શાવવામાં આવે છે. એક સાથે 20થી 30 લોકો આ રાઈડનો આનંદ માણી શકે છે.
આ સિમ્યુલેટરમાં મિશન મૂન, મિશન માર્સ, ડાયનાસોર વર્લ્ડ, અંડરવોટર વર્લ્ડ અને રોલરકોસ્ટર જેવી 5 થીમ આધારિત શો રજૂ થાય છે, જેમાં ભવિષ્યની ટેકનોલોજી અને અવકાશીય કલ્પનાઓ દર્શાવવામાં આવી છે.
આ પ્રોજેક્ટનું સંચાલન ગુજકોસ્ટ દ્વારા કરવામાં આવે છે. સોમવાર સિવાય તમામ દિવસોમાં 50 રૂપિયાની ટિકિટમાં આ રાઈડ ઉપલબ્ધ છે, જે વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રસ વધારવાનો મુખ્ય હેતુ ધરાવે છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ