
વલસાડ, 01 મે (હિ.સ.) : ૧લી મે ૧૯૬૦ના રોજ બોમ્બે રાજ્યના વિભાજન બાદ ગુજરાતને અલગ રાજ્ય તરીકે સ્થાપના મળી હતી. તે સમયગાળા દરમિયાન સરહદી વિસ્તારોને લઈને અનેક વિવાદો ઉભા થયા હતા. તેમાં ઉમરગામ તાલુકાનો મુદ્દો પણ ખૂબ જ સંવેદનશીલ રહ્યો હતો. પ્રારંભિક આયોજન મુજબ ઉમરગામ તાલુકાના ૫૧ ગામોને મહારાષ્ટ્રમાં સામેલ કરવાનો અને ગુજરાતની સીમા વાપી નજીક દમણગંગા નદીથી શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ તે સમયે ઉમરગામના પ્રામાણિક અને સિદ્ધાંતનિષ્ઠ ધારાસભ્ય સ્વ. સતુભાઈ ઠાકરિયાએ આ નિર્ણયનો કડક વિરોધ કર્યો હતો.
સતુભાઈ ઠાકરિયાએ ઉમરગામ તાલુકાના ૫૨ ગામોને ગુજરાતમાં જ સામેલ કરાવવા મક્કમતા દાખવી હતી. પોતાના દ્રઢ નિશ્ચય સાથે તેમણે મુંબઈથી વિમાન મારફતે દિલ્હી જઈને કેન્દ્ર સરકાર સમક્ષ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. તેઓ આ મુદ્દે બે વખત દિલ્હી પહોંચ્યા હતા અને રાજ્ય વિભાજન વખતે ઉમરગામના હિત માટે સતત લડત ચલાવી હતી.
મહારાષ્ટ્ર તરફથી દાવો કરવામાં આવ્યો હતો કે ઉમરગામના લોકો મરાઠી ભાષા બોલે છે, પરંતુ સતુભાઈએ આ દાવાને ખોટો ઠેરવી જણાવ્યું હતું કે સ્થાનિક લોકો ડાવરી (વારલી) ભાષા બોલે છે, જે ગુજરાત સાથે સંકળાયેલી સંસ્કૃતિ દર્શાવે છે. આ તર્કના આધારે અંતે ઉમરગામને ગુજરાતમાં સામેલ કરવાનો મહત્વનો નિર્ણય લેવાયો હતો. આ લડત દરમિયાન સતુભાઈ ઠાકરિયાને લલચાવવા માટે મહારાષ્ટ્ર તરફથી રૂપિયોથી ભરેલો ઠેલો પણ ઓફર કરવામાં આવ્યો હતો, પરંતુ તેમણે આ પ્રલોભન ઠુકરાવીને પોતાના સિદ્ધાંતો પર અડગ રહ્યા હતા. લડત દરમિયાન ભારે વિરોધનો સામનો કરતા સતુભાઈ ઠાકરિયાને પોતાનો જીવ બચાવવા માટે પાંચ દિવસ સુધી પોતાના ઘરની નજીક આવેલા આંબલીના ઝાડ પર માંચડો બાંધી છુપાઈ રહેવું પડ્યું હતું.
આજે ઉમરગામના લોકો સતુભાઈ ઠાકરિયાની આ ઐતિહાસિક લડતને યાદ કરીને ગૌરવ અનુભવે છે. તેમની નિષ્ઠા અને સંઘર્ષના કારણે જ ઉમરગામ તાલુકો ગુજરાતનો ભાગ બની શક્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha