
ગૌહાટી, 03 મે (હિ.સ.): મતગણતરી માટે ચૂંટણી પંચ સંપૂર્ણપણે સજ્જ છે. આસામના 40 મતગણતરી કેન્દ્રોમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે સોમવારે સવારે 8 વાગ્યાથી મતગણતરી પ્રક્રિયા શરૂ થશે. આવતીકાલે 126 વિધાનસભા મતવિસ્તારોના 722 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે.
નોંધનીય છે કે, તાજેતરમાં 09 એપ્રિલના રોજ રાજ્યમાં વિધાનસભા ચૂંટણી માટે એક જ તબક્કામાં મતદાન થયું હતું. આ વખતે રાજ્યમાં રેકોર્ડબ્રેક 85.5 ટકા મતદાન થયું હતું. રાજ્ય માટે આ વિક્રમી મતદાન હતું.
આ વખતે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ 90 બેઠકો, આસામ ગણ પરિષદ (અગપ) એ 26 બેઠકો, બોડોલેન્ડ પીપલ્સ ફ્રન્ટ (બીપીએફ) એ 11 બેઠકો, કોંગ્રેસે 99 બેઠકો, આસામ જાતીય પરિષદ (અજાપ) એ 10 બેઠકો, રાઈઝર દળે 13 બેઠકો, ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ) એ 19 બેઠકો, યુનાઈટેડ પીપલ્સ પાર્ટી લિબરલ (યુપીપીએલ) એ 17 બેઠકો, સીપીઆઈએ 5 બેઠકો, નેશનલ પીપલ્સ પાર્ટી (એનપીપી) એ 2 બેઠકો, અખિલ ભારતીય સંયુક્ત લોકતાંત્રિક મોરચા (એઆઈયુડીએફ) એ 27 બેઠકો, તૃણમૂલ કોંગ્રેસે 23 બેઠકો, આમ આદમી પાર્ટી (આઆપા) એ 20 બેઠકો, સીપીઆઈ (એમ) એ 2 બેઠકો, સીપીઆઈ (એમએલ) એ 2 બેઠકો, ઓલ પાર્ટી હિલ લીડર્સ કોન્ફરન્સ (એપીએચએલસી) પક્ષે 2 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતાર્યા છે. સાથે જ 259 ઉમેદવારોએ અપક્ષ તરીકે સ્પર્ધા કરી છે.
રાજકારણીઓની સાથે રાજ્યની જનતા પણ ખૂબ જ આતુરતાથી મતગણતરીની રાહ જોઈ રહી છે. સત્તાધારી પક્ષ અને વિરોધ પક્ષ બંને પોતપોતાની જીતના દાવા કરી રહ્યા છે. કોની જીત થશે, તે મતોની ગણતરી બાદ સ્પષ્ટ થઈ જશે.
હિન્દુસ્થાન સમાચાર / અરવિંદ રાય / અમરેશ દ્વિવેદી
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ