
નવી દિલ્હી, 04 મે (હિ.સ.). પશ્ચિમ બંગાળ, આસામ, પોંડીચેરી સહિત પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલુ છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) મતગણતરીના શરૂઆતી તબક્કાથી જ પશ્ચિમ બંગાળ અને આસામમાં નિર્ણાયક સરસાઈ જાળવી રહી છે. ભાજપ મુખ્યાલયમાં ઉત્સવનો માહોલ છે.
અગાઉની દરેક ચૂંટણીની જેમ આ વખતે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે પાર્ટી મુખ્યાલય જશે અને કાર્યકરો તથા સમર્થકોને સંબોધિત કરશે. પાર્ટી મુખ્યાલયમાં તેમના સ્વાગતની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. પશ્ચિમ બંગાળના ચૂંટણી પરિણામોના વલણોને જોતા ભાજપના કાર્યકરો સવારથી જ પાર્ટી મુખ્યાલયમાં ઢોલ-નગારા સાથે ઉજવણી કરી રહ્યા છે. આતશબાજી પણ કરવામાં આવી રહી છે. મુખ્યાલયમાં વડાપ્રધાનના સ્વાગતની તૈયારીઓ ચાલી રહી છે.
પાર્ટીના એક પદાધિકારીના જણાવ્યા અનુસાર, આ ઐતિહાસિક જીત પર સાંજે 6:30 વાગ્યે વડાપ્રધાન મોદી મુખ્યાલય પહોંચશે અને કાર્યકરો તથા સમર્થકોને સંબોધિત કરશે. મુખ્યાલયમાં ઝાલમુરી, રસગુલ્લા અને મીઠું દહીં (મિષ્ટી દોઈ) પણ વહેંચવામાં આવી રહ્યું છે. આ દરમિયાન એક એવા કાર્યકર પણ જોવા મળ્યા, જે મમતા બેનર્જીના વેશમાં મુખ્યાલય પરિસરમાં ફરી રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળમાં વર્ષ 2011 થી અત્યાર સુધી સતત તૃણમૂલ કોંગ્રેસની સરકાર રહી છે અને મમતા બેનર્જી રાજ્યના મુખ્યમંત્રી રહ્યા છે. ભાજપ હવે ત્યાં પ્રથમ વખત સરકાર બનાવતી હોય તેમ જણાય છે.
હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ