અમદાવાદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ, 22 દિવસમાં 5 ભારે પોર્ટલ બીમ લોન્ચ કરવામાં આવ્યા
નવી દિલ્હી, 04 મે (હિ.સ.)। અમદાવાદમાં મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ એક મહત્વપૂર્ણ એન્જિનિયરિંગ સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. મણિનગર વિસ્તારમાં અમદાવાદ–વડોદરા રેલ્વે લાઇન ઉપર કુલ પાંચ પ્રીકાસ્ટ-પ્રેસ્ટ્રેસ્ડ ભારે પોર્ટલ બીમ (ગર્ડર) માત્ર 2
અમદાવાદ–વડોદરા રેલ્વે લાઈન પર ભારે બીમ


નવી દિલ્હી, 04 મે (હિ.સ.)। અમદાવાદમાં મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ એક મહત્વપૂર્ણ એન્જિનિયરિંગ સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. મણિનગર વિસ્તારમાં અમદાવાદ–વડોદરા રેલ્વે લાઇન ઉપર કુલ પાંચ પ્રીકાસ્ટ-પ્રેસ્ટ્રેસ્ડ ભારે પોર્ટલ બીમ (ગર્ડર) માત્ર 22 દિવસની અંદર સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યા છે.

નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (એનએચએસઆરસીએલ) એ સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ લોન્ચિંગ પ્રક્રિયા 8, 13, 19, 24 અને 29 એપ્રિલના રોજ સુનિયોજિત ક્રમમાં પૂર્ણ કરવામાં આવી હતી, જે કાર્યરત રેલવે ટ્રેક ઉપર ઝડપી અને સચોટ કામગીરીનું ઉદાહરણ છે. આમાં સૌથી ભારે બીમ, જેનું વજન આશરે 1360 મેટ્રિક ટન હતું, તે 8 એપ્રિલે લોન્ચ કરવામાં આવ્યો હતો. અન્ય બીમનું વજન 1170 થી 1360 મેટ્રિક ટનની વચ્ચે રહ્યું હતું, જેના કારણે આ રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર કરવામાં આવેલા સૌથી જટિલ કાર્યોમાંનું એક બની ગયું છે.

મણિનગરમાં બુલેટ ટ્રેનનું એલાઈનમેન્ટ હાલના રેલવે ટ્રેક ઉપરથી ઊંચાઈ પર અને ત્રાંસા ખૂણા પર પસાર થાય છે, જેના કારણે માળખાકીય આયોજન અત્યંત પડકારજનક રહ્યું હતું. અહીં બે પિલર વચ્ચેનું અંતર આશરે 30 થી 34 મીટર છે, જેના કારણે મજબૂત અને સ્થિર પોર્ટલ બીમની જરૂર પડી હતી.

આ ભારે પોર્ટલ બીમ એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે કે, તેઓ અમદાવાદ–વડોદરા રેલ્વેની અપ, ડાઉન અને ત્રીજી લાઇન સહિત અનેક કાર્યરત ટ્રેકને સુરક્ષિત રીતે આવરી શકે. તેમના વિશાળ કદ અને વજનને કારણે માળખામાં સ્થિરતા જળવાઈ રહે છે અને ઝુકાવ ન્યૂનતમ રહે છે, જેનાથી ટ્રેકની ચોકસાઈ અને સુરક્ષિત સંચાલન સુનિશ્ચિત થાય છે.

લોન્ચિંગ માટે 2200 મેટ્રિક ટન ક્ષમતાવાળા ક્રોલર ક્રેનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેનો પ્રથમ વખત ભારતમાં કાર્યરત રેલવે ટ્રેક ઉપર ઉપયોગ કરવામાં આવ્યો છે. દરેક બીમ આશરે 3.5 કલાકમાં સ્થાપિત કરવામાં આવ્યો હતો, જે અગાઉના 9 કલાકના બ્લોકની સરખામણીમાં ઘણો ઝડપી છે. આ કાર્ય ભારતીય રેલવે સાથેના સંકલન, કડક સુરક્ષા વ્યવસ્થા અને સતત દેખરેખ સાથે પૂર્ણ કરવામાં આવ્યું હતું.

નોંધનીય છે કે, દરેક પોર્ટલ બીમની લંબાઈ 34 મીટર છે અને તેનું ક્રોસ-સેક્શન 5.5 મીટર × 4.5 મીટર છે. આ બીમ સાઇટ પર જ તૈયાર કરીને ભારે એકમો તરીકે સ્થાપિત કરવામાં આવ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande