
રાયપુર/મહાસમુંદ, નવી દિલ્હી, 03 મે (હિ.સ.)। છત્તીસગઢના મહાસમુંદ જિલ્લામાં એલપીજી ગેસની મોટી ઉચાપતના કેસમાં પોલીસે 40 સભ્યોની ટીમ બનાવીને આ 1.5 કરોડની ઉચાપતનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં ઠાકુર પેટ્રોકેમિકલ્સના પ્લાન્ટ મેનેજર નિખિલ વૈષ્ણવ (41)ની 2 મે 2026ના રોજ પોલીસે ધરપકડ કરી કેસનો ખુલાસો કર્યો છે.
મહાસમુંદ પોલીસ દ્વારા આજે આપવામાં આવેલી માહિતી મુજબ, કંપનીના માલિક સંતોષ સિંહ ઠાકુર અને ડાયરેક્ટર સાર્થક (સાકિન) ઠાકુર હજુ પણ ફરાર છે, જેમની શોધમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. પોલીસે કંપનીની ઓફિસમાંથી ડીવીઆર, કોમ્પ્યુટર અને અનેક કાચા દસ્તાવેજો પણ જપ્ત કર્યા છે, જેમાંથી ગેરકાયદે વેચાણના પુરાવા મળ્યા છે.
પોલીસે જણાવ્યું છે કે, ડિસેમ્બર 2025માં સરાયપાલી પ્રશાસને ગેરકાયદે રિફિલિંગના આરોપમાં 6 એલપીજી કેપ્સ્યુલ ટેન્કરો જપ્ત કરીને સિંઘોડા પોલીસ સ્ટેશનમાં રાખ્યા હતા. પોલીસ સ્ટેશનમાં જ્વલનશીલ ગેસના જોખમને ધ્યાનમાં રાખીને, કલેક્ટરના નિર્દેશ પર આ ટ્રકોને 30 માર્ચ 2026ના રોજ સુરક્ષિત રાખવા માટે અભનપુર સ્થિત 'ઠાકુર પેટ્રોકેમિકલ કંપની'ને સોંપવામાં આવ્યા હતા. જ્યારે ટેન્કર માલિક હાઈકોર્ટમાંથી જામીન લઈને 17 એપ્રિલે પોતાના વાહનો પાછા લેવા પહોંચ્યો ત્યારે તમામ ટેન્કર ખાલી જોવા મળ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું છે કે, કંપનીના માલિક અને મેનેજરે મળીને સુનિયોજિત રીતે 31 માર્ચ થી 6 એપ્રિલ વચ્ચે ગેસ ધીમે-ધીમે ખાલી કર્યો હતો અને તેને ગેરકાયદેસર રીતે ઘરેલું તથા કોમર્શિયલ સિલિન્ડરોમાં ભરીને બજારમાં વેચી દીધો હતો. આરોપીઓએ જણાવ્યું હતું કે, ગેસનું ગળતર થયું હતું.
આરોપીઓએ માત્ર 5 દિવસ (31 માર્ચ થી 5 એપ્રિલ)ની અંદર તમામ 6 કેપ્સ્યુલ ટ્રકોમાંથી અંદાજે 90 મેટ્રિક ટન ગેસ કાઢી લીધો હતો. આ ગેસને કંપનીના પોતાના 'બુલેટ' (મોટા સ્ટોરેજ ટેન્ક)માં ટ્રાન્સફર કરવામાં આવ્યો અને ત્યાંથી ઘરેલું તથા કોમર્શિયલ સિલિન્ડરોમાં ભરીને ઊંચા ભાવે બજારમાં વેચી દેવામાં આવ્યો હતો, જેની કિંમત અંદાજે 1.5 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે.
તપાસમાં બહાર આવ્યું છે કે, આ આખો મામલો ગુનાહિત વિશ્વાસઘાતનો છે. તપાસમાં જાણવા મળ્યું છે કે, કંપનીના માલિક, ડાયરેક્ટર અને પ્લાન્ટ મેનેજરે મળીને કાવતરું ઘડ્યું હતું અને 31 માર્ચ થી 6 એપ્રિલ 2026 દરમિયાન તમામ કેપ્સ્યુલમાંથી ગેસ ગેરકાયદેસર રીતે ખાલી કરાવ્યો હતો.
મામલાની ગંભીરતાને જોતા મહાસમુંદ પોલીસે 40 સભ્યોની ટીમ બનાવીને ચાર દિવસમાં તપાસ પૂર્ણ કરી આખા ઘટનાક્રમનો ખુલાસો કર્યો હતો. તપાસ દરમિયાન દસ્તાવેજો અને લેવડદેવડના આધારે ગેરરીતિની પુષ્ટિ થઈ હતી. ધરપકડ કરાયેલા આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / કેશવ કેદારનાથ શર્મા / રામાનુજ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ