
- પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, અસામ, કેરળ, પુડુચેરીમાં સવારે 08 વાગ્યે મતગણતરી શરૂ થશે
- પાંચ રાજ્યોની આઠ બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીની મતગણતરી પણ કરવામાં આવશે
નવી દિલ્હી, 04 મે (હિ.સ.). દેશના ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે સામે આવી જશે. આ રાજ્યો છે- પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, અસામ, કેરળ અને પુડુચેરી. સમગ્ર દેશની નજર આ પરિણામો પર ટકેલી છે. કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતગણતરી સવારે 08 વાગ્યે શરૂ થશે. પહેલા ટપાલ મતપત્રો (પોસ્ટલ બેલેટ)ની ગણતરી થશે. આ પછી ઈવીએમના મતોની ગણતરી થશે. સમગ્ર ચિત્ર સાંજ સુધીમાં સ્પષ્ટ થવાની અપેક્ષા છે.
આ સિવાય પાંચ રાજ્યોની આઠ બેઠકો પર પણ આજે જ મતગણતરી થશે. આ એ બેઠકો છે જ્યાં હાલના ધારાસભ્યોના નિધન બાદ ગયા મહિને પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં ગોવાની પોંડા, કર્ણાટકની બાગલકોટ અને દાવણગેરે દક્ષિણ, નાગાલેન્ડની કોરિડાંગ, ત્રિપુરાની ધર્મનગર, ગુજરાતની ઉમરેઠ અને મહારાષ્ટ્રની રાહુરી તેમજ બારામતી બેઠક સામેલ છે.
આ ચૂંટણીમાં રેકોર્ડ મતદાન, કડક સુરક્ષા અને લાઈવ વેબકાસ્ટિંગ જેવા તકનીકી નવતર પ્રયોગોએ ચૂંટણી પ્રક્રિયા વિકસિત થવાનો સંકેત આપ્યો છે. આજે સાંજ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે, કયો પક્ષ અથવા ગઠબંધન સત્તામાં આવશે. આ રાજ્યોના ચૂંટણી પરિણામોની માત્ર પ્રાદેશિક જ નહીં પરંતુ રાષ્ટ્રીય રાજકારણ પર પણ મોટી અસર જોવા મળશે.
પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામોમાં લોકોની સૌથી વધુ નજર પશ્ચિમ બંગાળ પર હશે. મોટાભાગના એક્ઝિટ પોલમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને સૌથી આગળ બતાવવામાં આવી છે. જો એક્ઝિટ પોલના અંદાજો પરિણામોમાં બદલાશે તો પશ્ચિમ બંગાળમાંથી તૃણમૂલ કોંગ્રેસની સત્તામાંથી વિદાય સાથે મમતા બેનર્જીએ સત્તા છોડવી પડશે. કેરળ આ વખતે પણ ભાજપ માટે એક કોયડો સાબિત થઈ શકે છે. એક્ઝિટ પોલના અંદાજો તો આવું જ કહે છે. અત્યાર સુધી રાજ્ય વિધાનસભામાં ભાજપનું ખાતું પ્રથમ વખત 2016 માં ખુલ્યું હતું.
અનેક એક્ઝિટ પોલના અંદાજોમાં તમિલનાડુમાં નવા રાજકીય સમીકરણો જોવા મળી શકે છે. એક્ઝિટ પોલ અનુસાર, અસામમાં ભાજપની વાપસી થશે. તેનાથી ભાજપમાં મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાની સ્થિતિ વધુ મજબૂત થશે. કેન્દ્રશાસિત પોંડીચેરીમાં એન. રંગાસામીના નેતૃત્વમાં એઆઈએનઆરસી અને ભાજપ ગઠબંધન સરકાર સત્તામાં જળવાઈ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
294 સભ્યોવાળી પશ્ચિમ બંગાળ વિધાનસભાની 293 બેઠકો માટે 77 કેન્દ્રો પર મતગણતરી થશે. દક્ષિણ 24 પરગણા જિલ્લાની ફલતા બેઠક પર ગેરરીતિના કારણે મતદાન રદ કરવામાં આવ્યું છે. ફલતામાં 21 મે ના રોજ ફરીથી મતદાન થશે. મતગણતરીને ધ્યાનમાં રાખીને આ વખતે રાજ્યમાં અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ભારતીય ચૂંટણી પંચે 165 વધારાના મતગણતરી નિરીક્ષકો અને 77 પોલીસ નિરીક્ષકોને તૈનાત કર્યા છે. મતગણતરી કેન્દ્રો પર રિટર્નિંગ ઓફિસરો અને નિરીક્ષકો સિવાય કોઈ પણ મોબાઈલ ફોન લઈ જઈ શકશે નહીં. મતગણતરી કેન્દ્રો પર ત્રિ-સ્તરીય સુરક્ષા ઘેરો હશે. પ્રથમ વખત, પંચે મતગણતરી કેન્દ્રોમાં અનધિકૃત પ્રવેશ રોકવા માટે મતગણતરી કર્મચારીઓ માટે ક્યુઆર કોડ આધારિત ફોટો ઓળખ કાર્ડ પ્રણાલી શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ