
-જંગલ છોડીને માનવ વસાહતમાં સ્થાયી થયેલી સિંહણ, ખેડૂતો માટે બની આશીર્વાદરૂપ
અમરેલી,06 મે (હિ.સ.) અમરેલી જિલ્લાના ધારી તાલુકાના મોરઝર ગામે અંબાના બગીચામાં સિંહણ તેના બે સિંહબાળ સાથે જોવા મળતા ગ્રામજનોમાં આશ્ચર્ય અને કૌતુક ફેલાયું છે. જંગલ વિસ્તાર છોડીને સિંહણ માનવ વસાહત નજીકના બગીચામાં સ્થાયી થઈ હોવાનું સામે આવ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી સિંહણ અને તેના બચ્ચાં અંબાના બગીચામાં આરામ કરતા તેમજ ગમ્મત કરતા જોવા મળી રહ્યા છે.
સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ, વિસ્તારમાં જંગલી ભૂંડ અને નીલગાયના વધતા ત્રાસને કારણે ખેતીપાકને ભારે નુકસાન થતું હતું. પરંતુ હવે સિંહોની હાજરીને કારણે જંગલી પ્રાણીઓમાં ભય ફેલાયો છે, જેના કારણે ખેતીપાકને થતા નુકસાનમાં ઘટાડો થયો હોવાનું માનવામાં આવે છે. ખેડૂતો માટે સિંહોની હાજરી આશીર્વાદરૂપ બની રહી છે.
વનવિભાગ દ્વારા આ સમગ્ર વિસ્તાર પર સતત નજર રાખવામાં આવી રહી છે. અધિકારીઓ દ્વારા સિંહણ અને તેના બચ્ચાંની હલચલનું મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે જેથી માનવ અને વન્યજીવન વચ્ચે સંતુલન જળવાઈ રહે. વનવિભાગના પ્રયાસોથી ગીર અને આસપાસના વિસ્તારોમાં સિંહોની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાયો હોવાનું પણ સામે આવ્યું છે.
માતા સિંહણ તેના બે સિંહબાળ સાથે રમતી અને આરામ કરતી દ્રશ્યો સ્થાનિકોના મોબાઈલ કેમેરામાં કેદ થયા હતા, જે હાલ સોશિયલ મીડિયામાં પણ ભારે વાયરલ થઈ રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai