યુવાનોને આધુનિક ઉદ્યોગોની જરૂરિયાત મુજબ તૈયાર કરવામાં ITIની ભૂમિકા મહત્વની: મંત્રી કુંવરજી બાવળીયા
- રાજ્યની શ્રેષ્ઠ 12 ITIનું શ્રમ-રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને અને રાજ્ય મંત્રી કાંતિલાલ અમૃતિયાની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે કરાયું સન્માન ગાંધીનગર, 06 મે (હિ.સ.) : રાજ્યમાં વર્ષ ૨૦૨૨-૨૩ થી ૨૦૨૫-૨૬ દરમિયાન શ્રેષ્ઠ કામગીર
ગાંધીનગર ખાતે કાર્યક્રમ યોજાયો


ગાંધીનગર ખાતે કાર્યક્રમ યોજાયો


- રાજ્યની શ્રેષ્ઠ 12 ITIનું શ્રમ-રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને અને રાજ્ય મંત્રી કાંતિલાલ અમૃતિયાની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે કરાયું સન્માન

ગાંધીનગર, 06 મે (હિ.સ.) : રાજ્યમાં વર્ષ ૨૦૨૨-૨૩ થી ૨૦૨૫-૨૬ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનારી કુલ 12 ITI સંસ્થાઓનું શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને અને રાજ્ય મંત્રી કાંતિલાલ અમૃતિયાની વિશેષ ઉપસ્થિતિમાં આજે ગાંધીનગર ખાતે સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં વર્ષ ૨૦૨૫-૨૬ માટે બીલીમોરા ITI પ્રથમ ક્રમે, પાલનપુર ITI દ્વિતીય અને જામનગર ITI તૃતીય ક્રમે વિજેતા બની છે. પ્રથમ ક્રમે આવેલી સંસ્થાને રૂ. ૧૧ લાખ, દ્વિતીય ક્રમે રૂ. ૯ લાખ અને તૃતીય ક્રમે આવેલી સંસ્થાને રૂ. ૫ લાખના ચેક અને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આ રકમનો ઉપયોગ જે-તે સંસ્થાના ભવિષ્યના શૈક્ષણિક અને માળખાગત વિકાસ માટે કરવામાં આવશે. શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા પારદર્શક રીતે આપવામાં આવેલા આ એવોર્ડસ અન્ય સંસ્થાઓ માટે પણ પ્રેરણારૂપ બનશે.

વધુમાં, રાજ્યમાં તજજ્ઞોની કમિટિ દ્વારા નિર્ધારિત માપદંડોના આધારે વર્ષ ૨૦૨૨-૨૩ માટે મણીનગરની ITI પ્રથમ, સુરત ITI દ્વિતીય અને અમરેલી ITI તૃતીય ક્રમે, વર્ષ ૨૦૨૩-૨૪ માટે તળાજા ITI પ્રથમ, ગોતા-રાણીપ ITI દ્વિતીય અને ગોરવા મહિલા-ITI તૃતીય ક્રમે તેમજ વર્ષ ૨૦૨૪-૨૫ માટે સરસપુર ITI પ્રથમ, વ્યારા ITI દ્વિતીય અને તરસાલી ITIએ તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે.

રાજ્યના ઔદ્યોગિક વિકાસમાં ITIના ફાળાને બિરદાવવા અને કૌશલ્ય વર્ધનને વેગ આપવા માટે આયોજિત કાર્યક્રમમાં વિજેતા સંસ્થાઓને અભિનંદન પાઠવતા શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, આ એવોર્ડ એ માત્ર સન્માન નથી પણ આવનારા દિવસો માટેની વિશેષ જવાબદારી છે. આપણું રાજ્ય જે રીતે ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે, ત્યારે ઉદ્યોગોની બદલાતી જરૂરિયાતો મુજબ સક્ષમ મેનપાવર તૈયાર કરવો એ આપણી નૈતિક ફરજ છે. યુવક-યુવતીઓને આધુનિક ટેકનોલોજી સાથે સુસજ્જ કરી તેમને ઉદ્યોગ જગત માટે તૈયાર કરવા પર મંત્રીશ્રીએ વિશેષ ભાર મૂક્યો હતો.

મંત્રી બાવળીયાએ કહ્યું હતું કે, રાજ્યના યુવાનોને આધુનિક ઉદ્યોગોની જરૂરિયાત મુજબ તૈયાર કરવામાં ITIની ભૂમિકા મહત્વની હોય છે. જેમ મંદિર બનાવ્યા પછી તેમાં મૂર્તિની સ્થાપના ન થાય તો તે માત્ર પથ્થરનું માળખું જ રહે છે, તેમ માત્ર સરસ મજાના બિલ્ડીંગો બનાવવાથી ITIનો હેતુ સિદ્ધ થતો નથી, પરંતુ તેમાં કાર્યરત આચાર્યશ્રીઓ, ઇન્સ્ટ્રક્ટરો અને સ્ટાફ એ 'પૂજારી' સમાન છે, જેમણે વિદ્યાર્થીઓ રૂપી મૂર્તિમાં કૌશલ્યના પ્રાણ ફૂંકવાના છે.

મંત્રીએ ઉમેર્યું કે, તાજેતરમાં એક સંસ્થાની મુલાકાત દરમિયાન ITIના તાલીમાર્થીઓને મિકેનિકલ અને અન્ય ટેકનિકલ ક્ષેત્રમાં જે રીતે ઉચ્ચ કક્ષાની કામગીરી કરતા જોયા તે ખરેખર ગર્વ લેવા જેવી બાબત છે. આપણા યુવાનોમાં અપાર શક્તિ અને આવડત છુપાયેલી છે, માત્ર તેને યોગ્ય દિશામાં વાળવાની જરૂર છે. ઈન્ડસ્ટ્રીમાં કામ કરતા અનુભવી કારીગરોથી પણ વિશેષ કૌશલ્ય આજના યુવાનો દાખવી રહ્યા છે, જે ઉજ્જવળ ભવિષ્યના સંકેત છે.

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર રાજ્ય મંત્રી કાંતિલાલ અમૃતિયાએ શ્રેષ્ઠ ITI એવોર્ડ સમારંભ પ્રસંગે મંત્રીએ વિજેતા સંસ્થાઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, ITI માત્ર તાલીમ કેન્દ્રો જ નહીં, પરંતુ યુવાનોના ભવિષ્યને આકાર આપનારી મહત્વની સંસ્થાઓ છે. ITIમાંથી તાલીમ મેળવીને નીકળતા વિદ્યાર્થીઓને માસિક ૩૦ હજારથી ૫૦ હજાર સુધીનો પગાર મળે તેવા પ્રયાસો કરવામાં આવશે. આવા સફળ વિદ્યાર્થીઓને બોલાવીને અન્ય એવોર્ડ અપાવી તેમને પ્રોત્સાહિત કરવાની નવી પરંપરા શરૂ કરવા પણ તેમણે સૂચન કર્યું હતું.

વિદ્યાર્થીઓને સ્થાનિક સ્તરે જ રોજગારી મળી શકે તે માટે તેમના જ વિસ્તારમાં જે ઉદ્યોગો વધુ કાર્યરત હોય તેના અનુરૂપ કોર્સ ITIમાં શરૂ કરવા પર મંત્રીએ ભાર મૂક્યો હતો, ITIના વિકાસ અને નવા કોર્સ શરૂ કરવા માટે અંદાજે રૂ. ૨ હજાર કરોડની માતબર રકમ ફાળવવામાં આવી છે. આ ભંડોળનો ઉપયોગ કરી દરેક ITIને 'મોડેલ ITI' બનાવવા મંત્રીશ્રીએ આહવાન કર્યું હતું.

મંત્રીએ જણાવ્યું કે, હાલમાં વિદેશોમાં પ્લમ્બર, ગેસ રીપેરીંગ અને ટાઇલ્સ ફિટિંગ જેવા ટેકનિકલ કૌશલ્યો ધરાવતા લોકોની મોટી માંગ છે. આવા ટૂંકા ગાળાના કોર્સ દ્વારા યુવાનોને વૈશ્વિક સ્તરે રોજગારી મળે તેવું આયોજન કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં કૌશલ્ય વિકાસ નિયામક કમલેશ રાઠોડ, અધિક નિયામક-તાલીમ નીલાંજસા રાજપૂત, અધિક નિયામક-રોજગાર ચંદ્રેશકુમાર રાઠવા સહિત ઉચ્ચ અધિકારીઓ અને વિવિધ ITI સંસ્થાઓના આચાર્યઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande