
-ધારી કોર્ટના પકડ વોરંટમાં ફરાર ૮૫ વર્ષીય વૃદ્ધને ખાંભાના મોટા સમઢીયાળાથી ઝડપી પાડ્યો
અમરેલી, 06 મે (હિ.સ.) અમરેલી જિલ્લા પોલીસની પેરોલ-ફર્લો સ્કવોડે લાંબા સમયથી ફરાર રહેલા આરોપીને ઝડપી પાડી નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે. જિલ્લામાં નાસતા-ફરતા આરોપીઓ અને ફરાર કેદીઓને ઝડપી પાડવા માટે પોલીસ વિભાગ દ્વારા ચલાવવામાં આવી રહેલી વિશેષ ઝુંબેશ દરમિયાન, ૨૧ વર્ષથી પકડ વોરંટમાં ફરાર રહેલા એક વૃદ્ધ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
માહિતી મુજબ, ધારી કોર્ટમાં વર્ષ ૨૦૦૫ના એક ફોજદારી કેસમાં પકડ વોરંટ જાહેર થયા બાદ આરોપી સતત પોલીસથી બચતો ફરતો હતો. અમરેલી પોલીસની પેરોલ-ફર્લો સ્કવોડે હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સોર્સના આધારે આરોપીની હિલચાલ અંગે ચોક્કસ બાતમી મેળવી હતી.
પોલીસે કાર્યવાહી હાથ ધરી ખાંભા તાલુકાના મોટા સમઢીયાળા વિસ્તારમાંથી પોપટભાઈ જીવાભાઈ ચારોલા (ઉંમર ૮૫) નામના આરોપીને ઝડપી પાડ્યો હતો. જાણવા મળ્યું છે કે આરોપી છેલ્લા ઘણા વર્ષોથી ભિક્ષાવૃત્તિ કરીને જીવન પસાર કરતો હતો અને સતત સ્થળ બદલતો હોવાથી પોલીસ પકડથી દૂર રહ્યો હતો.
૨૧ વર્ષ બાદ થયેલી આ ધરપકડને પોલીસ વિભાગ માટે મહત્વપૂર્ણ સફળતા માનવામાં આવી રહી છે. ધરપકડ બાદ આરોપીને વધુ કાયદેસરની કાર્યવાહી માટે ધારી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. પોલીસની આ કામગીરીથી જિલ્લામાં ફરાર આરોપીઓ સામેની ઝુંબેશ વધુ સક્રિય બનતી જોવા મળી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai