
અમરેલી, 06 મે (હિ.સ.) : બાબરા તાલુકાના દરેડ ગામ અને લાઠી તાલુકાના હિરાણા ગામને જોડતા મહત્વપૂર્ણ માર્ગના રીસર્ફેસિંગ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. 2.65 કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવતા સમગ્ર પંથકમાં આનંદની લાગણી પ્રસરી છે. લાઠી-બાબરા વિસ્તારના ધારાસભ્ય જનક તળાવીયાના સઘન પ્રયાસોના પરિણામે આ મહત્વપૂર્ણ માર્ગના વિકાસને લીલી ઝંડી મળી છે. લાંબા સમયથી બિસ્માર હાલતમાં રહેલા આ રોડના કારણે ગ્રામજનો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો.
દરેડ–હિરાણા રોડ આસપાસના અનેક ગામોને જોડતો મુખ્ય માર્ગ હોવાથી રોજબરોજ મોટી સંખ્યામાં લોકો આ માર્ગ પરથી અવરજવર કરે છે. પરંતુ રોડની જર્જરિત સ્થિતિને કારણે અકસ્માતનો ભય તેમજ મુસાફરીમાં વિલંબ જેવી સમસ્યાઓ સર્જાતી હતી. ગ્રામજનો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી રહી હતી. આ સમસ્યાને ગંભીરતાથી લઈ ધારાસભ્ય જનક તળાવીયાએ રાજ્ય સરકાર અને માર્ગ-મકાન વિભાગ સમક્ષ અસરકારક રજૂઆત કરી હતી. તેમની રજૂઆતને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા રૂ. 2.65 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે, જેના આધારે રોડનું સંપૂર્ણ રીસર્ફેસિંગ કરવામાં આવશે. કામ પૂર્ણ થયા બાદ માર્ગ વધુ સુગમ અને સુરક્ષિત બનશે, જેના કારણે ગ્રામ્ય વિસ્તારના લોકોની મુસાફરી સરળ બનશે તેમજ વાહન વ્યવહારમાં પણ રાહત મળશે.
ધારાસભ્ય જનક તળાવીયાએ જણાવ્યું હતું કે, “આ રોડની ખરાબ હાલતને કારણે લોકો લાંબા સમયથી મુશ્કેલી અનુભવી રહ્યા હતા. સરકાર દ્વારા તાત્કાલિક મંજૂરી અપાતા હવે વિસ્તારના લોકોને મોટી રાહત મળશે. વિકાસના કાર્યો સતત આગળ વધે તે માટે હું પ્રતિબદ્ધ છું.”
આ જાહેરાત બાદ દરેડ, હિરાણા સહિત આસપાસના ગામોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. ગ્રામજનોએ સરકાર અને ધારાસભ્ય જનક તળાવીયાનો આભાર વ્યક્ત કરી કામગીરી વહેલી તકે શરૂ થાય તેવી આશા વ્યક્ત કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai