

કચ્છ, 06 મે (હિ.સ.) ભુજ શહેરમાં ટ્રાફિક નિયમોના કડક અમલ વચ્ચે સીટી ટ્રાફિક શાખાએ વધુ એક અસરકારક કાર્યવાહી હાથ ધરી છે. કેફી પીણું પીધેલી હાલતમાં પુરપાટ ઝડપે અને બેફામ રીતે બસ હંકારતા એક ખાનગી ટ્રાવેલ્સ બસ ચાલકને ઝડપી પાડતા સંભવિત ગંભીર અકસ્માત ટળી ગયો છે. પોલીસની આ ઝડપી કાર્યવાહી શહેરમાં ટ્રાફિક સલામતી પ્રત્યેના કડક વલણનું સ્પષ્ટ ઉદાહરણ બની છે.
ટ્રાફિક નિયમનને વધુ સુવ્યવસ્થિત બનાવવા, વાહન ચેકિંગને ગતિ આપવા અને બેદરકારીપૂર્વક વાહન હંકારી લોકોના જીવને જોખમમાં મુકતા ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ સૂચનાઓના અનુસંધાને ભુજ શહેર ટ્રાફિક શાખાની ટીમ શહેરના વિવિધ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ અને ચેકિંગ કરી રહી છે.
તે દરમિયાન જ્યુબિલી સર્કલ તરફથી માધાપર તરફ જઈ રહેલી એક ખાનગી ટ્રાવેલ્સ બસ શંકાસ્પદ રીતે અતિઝડપે અને ભયજનક ઢબે દોડી રહી હોવાનું ટ્રાફિક પોલીસના ધ્યાન પર આવ્યું હતું. બસની ગતિ અને ડ્રાઇવિંગની રીત જોતા પોલીસકર્મીઓએ તાત્કાલિક બસને રોકી ચેકિંગ હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન બસ ચાલક નીતિનગિરી અમરતગિરી ગોસ્વામી, રહેવાસી રિદ્ધિ સિદ્ધિ નગર, સુખપર, તાલુકો ભુજ, કેફી પીણું પીધેલી હાલતમાં હોવાનું સામે આવ્યું હતું.
પ્રાથમિક પૂછપરછ અને ચકાસણી બાદ પોલીસએ બસ કબ્જે કરી લીધી હતી. પોલીસે માન્યું હતું કે જો સમયસર બસને રોકવામાં ન આવી હોત તો આ બેદરકાર ચાલકના કારણે કોઈ ગંભીર માર્ગ અકસ્માત સર્જાઈ શક્યો હોત અને અનેક મુસાફરો સહિત અન્ય વાહનચાલકોના જીવ જોખમાઈ શક્યા હોત. આથી પોલીસે ચાલકની તાત્કાલિક ધરપકડ કરી તેની વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભુજ સીટી ટ્રાફિક શાખાની આ કાર્યવાહી બાદ શહેરમાં સ્પષ્ટ સંદેશ ગયો છે કે ટ્રાફિક નિયમોનો ભંગ, નશો કરીને વાહન ચલાવવું કે બેફામ ઝડપે માર્ગ પર દોડવું હવે સહન કરવામાં નહીં આવે. પોલીસ તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ આવા ચેકિંગ વધુ સઘન બનાવાશે અને લોકોની સુરક્ષા સાથે ચેડાં કરનાર કોઈપણ ચાલક સામે નિર્દયી કાયદેસર પગલાં લેવામાં આવશે.
શહેરજનોમાં પણ આ કાર્યવાહીને આવકાર મળ્યો છે, કારણ કે નશાની હાલતમાં ભારે વાહન ચલાવવાની ઘટનાઓ જીવલેણ સાબિત થઈ શકે છે. સમયસરની સતર્કતા અને ઝડપી નિર્ણયશક્તિથી ભુજ ટ્રાફિક પોલીસે ફરી એકવાર સાબિત કર્યું છે કે જાહેર સલામતી માટે તેઓ સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.
હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar