
કચ્છ, 06 મે (હિ.સ.) : કચ્છનો વિશાળ દરિયાકિનારો ફરી એકવાર શંકાસ્પદ માદક પદાર્થોની હિલચાલને કારણે ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી અબડાસા અને લખપતના દરિયાઈ પટ્ટામાંથી સતત બિનવારસુ હાલતમાં માદક પદાર્થના પેકેટો મળી આવતાં સુરક્ષા એજન્સીઓની ચિંતા વધી છે. આ જ ક્રમમાં સોમવારે લખપત તાલુકાના મેડી ગામથી આશરે ૮ કિલોમીટર દૂર આવેલા સુગર બેટ નજીક સરહદી સુરક્ષા દળ (BSF)ના જવાનોને પેટ્રોલિંગ દરમિયાન વધુ ૧૦ શંકાસ્પદ પેકેટો હાથ લાગ્યા હતા.
મળતી માહિતી મુજબ, બીએસએફની મરીન પેટ્રોલિંગ ટીમ દરિયાઈ વિસ્તારમાં નિયમિત ચકાસણી કરી રહી હતી ત્યારે સુગર બેટની આસપાસ દરિયાકાંઠે પડેલા આ પેકેટો નજરે ચઢ્યા હતા. પ્રાથમિક તપાસમાં પેકેટોમાં માદક પદાર્થ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પેકેટોને કબ્જે લઈ વધુ તપાસ માટે સંબંધિત એજન્સીઓને સોંપવામાં આવ્યા છે. આ શોધ બાદ દરિયાઈ માર્ગ મારફતે ગુજરાતના કિનારે માદક પદાર્થોની ઘુસણખોરી થઈ રહી હોવાની આશંકા વધુ ગાઢ બની છે.
ખાસ નોંધનીય બાબત એ છે કે, છેલ્લા ત્રણ દિવસ દરમિયાન જ કચ્છના દરિયાકાંઠાના વિવિધ વિસ્તારોમાંથી ૩૫થી વધુ આવા શંકાસ્પદ પેકેટો મળી આવ્યા છે. અબડાસા તાલુકાના અનેક સુમસામ દરિયાઈ પટ્ટા તેમજ ટાપુ વિસ્તારોમાંથી પણ અગાઉ સમાન પ્રકારના પેકેટો મળી આવતા સુરક્ષા તંત્ર હાઇ એલર્ટ પર મૂકાયું છે. એક પછી એક મળી રહેલા આ જથ્થા પરથી સ્પષ્ટ થાય છે કે દરિયામાંથી કોઈ મોટો જથ્થો વહેણ સાથે કિનારે તણાઈ આવ્યો હોવાની અથવા પછી તસ્કરો દ્વારા ગુપ્ત રીતે ઉતારવાનો પ્રયાસ નિષ્ફળ ગયો હોવાની સંભાવનાઓ પર તપાસ ચાલી રહી છે.
કચ્છનો દરિયાઈ વિસ્તાર ભૌગોલિક રીતે અત્યંત સંવેદનશીલ માનવામાં આવે છે. પાકિસ્તાનની સરહદને અડીને આવેલા દરિયાઈ માર્ગો તસ્કરો માટે વર્ષોથી સહેલુ રૂટ ગણાતા આવ્યા છે. આવી સ્થિતિમાં સતત મળી રહેલા ડ્રગ્સના પેકેટો માત્ર કાયદો-વ્યવસ્થાનો નહીં પરંતુ રાષ્ટ્રીય સુરક્ષાનો પણ ગંભીર મુદ્દો બની રહ્યા છે. BSF, કોસ્ટગાર્ડ, સ્થાનિક પોલીસ અને અન્ય ગુપ્તચર એજન્સીઓએ સંયુક્ત રીતે તપાસનો વ્યાપ વધાર્યો છે.
સુરક્ષા તંત્ર હવે આ પેકેટો ક્યાંથી આવ્યા, તેમાં કયો માદક પદાર્થ છે અને શું આ પાછળ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક સક્રિય છે તે દિશામાં સઘન તપાસ કરી રહ્યું છે. દરિયાઈ કિનારાના ગામોમાં પણ સતર્કતા વધારવામાં આવી છે અને માછીમારોને કોઈ શંકાસ્પદ વસ્તુ દેખાય તો તરત જાણ કરવા અપીલ કરવામાં આવી છે. કચ્છના દરિયામાં સતત મળી રહેલા આ શંકાસ્પદ જથ્થાએ એક વખત ફરી સાબિત કર્યું છે કે, સરહદી દરિયો હજુ પણ નશાના કાળા કારોબારીઓની નજરમાં છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar